Friday - Apr 17, 2026

​મોરબીમાં શિક્ષકોની BLO તરીકેની નિમણૂકમાં પક્ષપાતનો આક્ષેપ, પ્રાંત અધિકારીને રજૂઆત.

​મોરબીમાં શિક્ષકોની BLO તરીકેની નિમણૂકમાં પક્ષપાતનો આક્ષેપ, પ્રાંત અધિકારીને રજૂઆત.

મોરબી: મોરબીના ખારી ત્રાજપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર નરેન્દ્ર નાનજીભાઈ એ બૂથ લેવલ ઓફિસર (BLO)ની નિમણૂકમાં જાતિવાદી અને પક્ષપાતી વલણ અપનાવાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મુદ્દે તેમણે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

​શૈક્ષણિક કાર્યને અસર

​શિક્ષક નરેન્દ્રભાઈએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે તેમની શાળામાં કુલ ૧૦ શિક્ષકો છે, જેમાંથી ૯ શિક્ષકોને BLO તરીકેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. શાળામાં ૩૫૮ વિદ્યાર્થીઓ છે અને બે શિક્ષકોની ઘટ હોવા છતાં, આટલી મોટી સંખ્યામાં શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરી સોંપવાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થવાની શક્યતા છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે અગાઉ ક્યારેય આટલા બધા શિક્ષકોને એકસાથે BLOની કામગીરી સોંપવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, શાંતિવન સ્કૂલમાં ૧૫ શિક્ષકોમાંથી માત્ર ત્રણ શિક્ષકોને જ BLO તરીકે નિમણૂક મળી છે.

​જાતિવાદી અને પક્ષપાતી વલણનો આક્ષેપ.

​શિક્ષક પરમાર નરેન્દ્રભાઈએ સીધો આરોપ લગાવ્યો છે કે મોરબીના નાયબ મામલતદાર દ્વારા BLOની નિમણૂકમાં અમુક ચોક્કસ સમાજના શિક્ષકોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો છે. આના પરિણામે, SC, ST અને OBC સમાજના શિક્ષકોને મનસ્વી રીતે ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેટલીક મહિલા શિક્ષકોને પણ મુશ્કેલ અને સંવેદનશીલ વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

​'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સિદ્ધાંતને પડકાર.

​નરેન્દ્રભાઈએ તેમની રજૂઆતમાં સવાલ ઉઠાવ્યો છે કે જો સરકારી કચેરીઓમાં જ આ પ્રકારનો ભેદભાવપૂર્ણ વ્યવહાર થશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના સિદ્ધાંતને કેવી રીતે સાકાર કરી શકાશે? તેમણે સ્પષ્ટતા કરી કે તેમને કામગીરી કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ નિમણૂકમાં અપનાવવામાં આવેલા પક્ષપાતી વલણ સામે વાંધો છે.

​તેમણે પ્રાંત અધિકારી સમક્ષ માંગણી કરી છે કે આવા ભેદભાવ રાખતા કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવે. ભવિષ્યમાં કોઈ પણ એક શાળામાંથી ૫૦% કરતાં વધુ શિક્ષકોની નિમણૂક ન થાય તેવું સુનિશ્ચિત કરવા પણ તેમણે અપીલ કરી છે, જેથી બાળકોના શિક્ષણને નુકસાન ન પહોંચે.