મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું વધુ એક ગામ સિંચાઇની સુવિધા વિહોણું હોવાનું સામે આવ્યું છે. જેમાં વાંકાનેરના જુના અને નવા ધમલપર ગામમાં સિંચાઇની સુવિધા ન હોવાથી હાલ આ ગામની ખેતી વરસાદ ઉપર નિર્ભર હોય જ્યારે મેઘકૃપા થાય ત્યારે ખેડૂતોના હૈયે ઉમળકો અને વરસાદ ન થાય તો ઠન ઠન ગોપાલ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આ ગામ વિકસિત થયું હોય અને ગામ ખેતી આધારિત હોય એટલે આજીવિકા માટે ફરજિયાત ખેતી કરવી પડતી હોવાના કારણે મોટાભાગના ખેડૂતોએ કુવા અને બોરની વ્યવસ્થા કરી લેતા ખેતીમાં પણ રોજીરોટી ચાલી શકે છે.
વાંકાનેરના જુના અને નવા ધમલપર ગામમાં સરપંચ શારદાબેન અરવિંદભાઈ અબાસાણીયાએ તેમના રાજાશાહી વખતના ગામમાં વર્ષ 2011 મુજબ 2199ની વસ્તી પણ હાલ 2700ની વસ્તી હોવાનું તારણ દર્શાવ્યુ છે.આ વસ્તીનો મુખ્ય ધંધો ખેતી અને મજૂરી હોય પણ ખેતીમાં સિંચાઇ ન હોય છતાં ખેડૂતો કમાઈ શકે એવો પાક મેળવી લેતા હોય છે. જ્યારે આ ગામની સુવિધાઓમાં જોઈએ તો પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી. નવા અને જૂના બન્ને ગામમાં 1થી8ની પ્રાથમિક શાળા, બન્ને ગામમાં આંગણવાડી, પેટા આરોગ્ય કેન્દ્વ, ગામમાં માત્ર 50 ટકા રોડ રસ્તા સારા, ભૂગર્ભ ગટર 80 ટકા કંપલેટ, કચરાના નિકાલ માટે કોઈ વાહન આપ્યું ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જ કચરાનો નિકાલ કરાતો હોય છે. આ ગામને જોડતા બીજા ગામના એટલે નવા ધમલપરના ચાર માર્ગ એમ આ બે કાચા રસ્તાને પાકા કરવાની માંગ છે.
1979 પુર હોનારત પછી સ્થળાંતર
મોરબીમાં 1979માં આવેલ ભયાનક અને ખોફનાક મચ્છુ જળ હોનારતની અસર આ ગામમાં પણ થઈ હતી.આ પુર હોનારત વખતે ધમલપર ગામમાં આઠ દસ ખોરડા હોય જે આજે પણ દેખાય છે. પણ આ પુરની અસરથી બચવા તે વખતે સ્થળાંતર થયું હતું. આ જૂની જગ્યા છે. તે ઉપરાંત પછી બાજુમાં બે નવા ગામ ઉદ્દભવ્યા હતા. જે નવા અને જૂના ધમલપર ગામ તરીકે ઓળખાય છે.