મોરબીના જસમતગઢ ગામેં એક ખેડૂતના ખેતરની બાજુમાં આવેલ કારખાનાએ એટલી હદે આ ખેતરમાં ઝેરી કેમિકલ્સ ફેલાવ્યું કે હવે ખેતરની ફળદ્રુપતા નષ્ટ થઈ ગઈ છે.આથી હવે નવો પાક ઉગે એમ ન હોય અને નકામી પાક ઊગી નીકળતા ખેડૂત મોટી મુશ્કેલીમાં મુકાય ગયા છે. જો કે ખેડૂતે અગાઉ જીપીસીબી તંત્રને લેખિતમાં રજુઆત કરી હોવા છતાં પગલાં ન ભરતા પ્રદુષણ બોર્ડની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે.
મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલા ખેતર ધરાવતા પ્રાણજીવનભાઈ કાલરીયાએ લેખિતમાં જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં બાજુમાં આવેલી ફેક્ટરી દ્વારા આ કારખાનાનું ઝેરી કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજનો જાહેરમાં નિકાલ કરવો જોખમી હોવા છતાં આ ખેડૂતના ખેતરમાં ઝેરી પ્રદુષણ ફેલાવાતા હોવાથી તેમનું ખેતર બંજર બની ગયું હોવાની રજૂઆત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કર્યાને 11 દિવસ વીતી જવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. આ કાર્યવાહી ન કરીને પ્રદુષણ બોર્ડ તેમના ખેતરમાં રહેલા ઝેરી કેમિકલ કદડાના પુરાવા નાશ થઈ જાય એની રાહ જોઇને તો બેઠું નથી ને ? તેવા વેધક સવાલ ઉઠાવ્યા છે. કારણ કે હવે ચોમાસુ ચાલુ હોય અને વરસાદ પડે તો તેમના ખેતરમાં રહેલા ઝેરી કેમિકલ કદડો ધોવાઈ જાય એમ છે. વધુમાં જણાવ્યા મુજબ જસમતગઢ ગામની સીમમાં તેમના ખેતરની બાજુમાં સિરામિક ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ધમધમી રહી હોય એ ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી તેમના ખેતરમાં કાઢતા હોવાથી ખેતર હવે ખેતી લાયક રહ્યું નથી. જે ખેતર હરિ ભરી ખેતીથી લહેરાતું એ ખેતરમાં હવે ઝેરી રાસાયણિક પદાર્થોના ફેલાવાથી જમીન ફળદ્રુપતા નષ્ટ થઈ ગઈ છે અને હવે આ જમીન વાવવા લાયક ન રહેતા ખેડૂતની ખેતી અને આજીવિકા ભગવાન ભરોસે થઈ ગઈ છે.