હોસ્પિટલમાં
નાજુક હાલત વચ્ચે જ મૂળ મધ્યપ્રદેશના 36 વર્ષીય શ્રમિકે 11 દિવસની સારવારના અંતે દમ તોડ્યો
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ નજીક સોરીસો ચોકડી પાસે આવેલી કઝારીયા સીરામીક ફેક્ટરીમાં બોઇલર વિભાગ પાસે કામ કરતી વખતે પગ લપસી જતાં ગરમ પાણીમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ મધ્યપ્રદેશના રિવા જિલ્લાના વતની અને હાલ કઝારીયા સીરામીક ફેક્ટરીમાં કામ કરતા ઉમેશભાઈ મુનાભાઈ રાવત (ઉં.36) ગત તા.31 જુલાઈના રોજ બોઇલર વિભાગ પાસે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ બોઇલરના ગરમ પાણીમાં પડી ગયા હતા. જેના પગલે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અગિયાર દિવસથી સારવાર હેઠળ રહેલા ઉમેશભાઈની નાજુક સ્થિતિ દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.