વન સ્ટોપ સેન્ટર, મોરબીની ટીમના સંવેદનશીલ અભિગમ અને અસરકારક કાઉન્સેલિંગથી મહિલાનું જીવન રખડતા ભટકતાં બચ્યું
મોરબી : ઘરેલુ કંકાસથી વ્યથિત થઈ ઘરેથી નીકળી ગયેલી 30 વર્ષીય પરિણીત મહિલા ફરતા ફરતા મોરબી આવી પહોંચી હતી. મોરબી આવ્યા બાદ મહિલા રસ્તો ભૂલી ગઈ હોવાથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ ગંભીર બાબત એક સદ ગૃહસ્થ મારફત ધ્યાને આવતા વન સ્ટોપ સેન્ટર, મોરબીની ટીમે આ પીડિત મહિલાની વહારે આવી હતી અને તેના પ્રયાસોના અંતે મહિલાનો તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મેળાપ થયો હતો.
મોરબીની વન સ્ટોપ સેન્ટરની ટીમને એક એક મહિલા મોરબી વિસ્તારમાં અસરગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં મહિલા પોતાની ઓળખ અને રહેઠાણ અંગે સ્પષ્ટ માહિતી આપી શકી ન હતી. આથી તેની ઓળખ જાણવી મુશ્કેલી બની હતી. આવી સ્થિતિમાં વન સ્ટોપ સેન્ટરની ટીમે ઉતાવળ કર્યા વિના શાંતિ અને સંવેદનાસભર રીતે મહિલાનું સતત કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું અને તેની પાસેથી મળતી નાની-નાની માહિતીને આધારે તપાસ આગળ ધપાવી હતી.
સતત પ્રયાસોના પરિણામે આ મહિલા મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની વતની હોવાનું તેમજ હાલ રાજકોટ જિલ્લાના સાપર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તે ઘરકાંકસને કારણે ઘરેથી નીકળી ગઇ હતી અને છેક મોરબી આવીને ભૂલી પડી હતી. પણ સમયસર આ સંસ્થાનો ભેટો થઈ.જતા તેનું જીવન રખડતા ભટકતા બચ્યું હતું. જેમાં વન સ્ટોપ સેન્ટરની ટીમે સંબંધિત સ્થળે સંપર્ક સાધી પરિવારની ઓળખની પુષ્ટિ કરી હતી અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલાને તેના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં વન સ્ટોપ સેન્ટર, મોરબીના ઇન્ચાર્જ ડી.પી. પાથર તથા સ્ટાફના અંજનાબેન મકવાણા અને દીપકભાઈ પરમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. અસરકારક કાઉન્સેલિંગ, યોગ્ય સંકલન અને સમયસરના પ્રયાસોથી એક મહિલા પોતાના પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકી હતી.