ટંકારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન કાર ચેક કરતા ભાંડો ફૂટ્યો, કાર સહિત રૂ.4.75 લાખનો મુદ્દામાલ કબ્જે
ટંકારા : ટંકારા પોલીસ મથક સામે ગઈકાલે વાહન ચેકીંગ દરમિયાન રાજકોટથી પેસેન્જર કારમાં બેસી મોરબી વિદેશી દારૂની સપ્લાય કરવા આવતી મહિલા તેમજ કાર ચાલક આબાદ ઝડપાઇ ગયા હતા.જો કે, પોલીસને શંકા ન પડે તે માટે પેસેન્જર કારમાં અન્ય મુસાફર પણ બેસાડવામાં આવ્યા હોય દરોડાની કાર્યવાહી બાદ પોલીસે કારમાં બેઠેલા અન્ય મહિલા અને પુરુષને જવા દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ તરફથી વિદેશી દારૂ ભરેલી કાર મોરબી તરફ જનાર છે. જે બાતમીને આધારે ટંકારા પોલીસે વોચ ગોઠવી ટંકારા પોલીસ મથક સામે જ વાહન ચેકીંગ કરતા જીજે - 36 - એજે - 2958 નંબરની કાર પસાર થતા અટકાવી તલાશી લીધી હતી.
કારની તલાશી દરમિયાન આરોપી સંજય દેવદાનભાઈ ડાંગર રહે.જસાપર, તા.માળીયા મિયાણા કબજાવાળી કારમાં પાછળ પેસેન્જર તરીકે બેસેલા મહિલા જ્યોતિબેન સંદીપભાઈ ધરજીયા રહે.નવાગામ આણંદપર, રાજકોટ વાળીના પગ પાસેથી તેમજ કારની ડેકીમાંથી રમ તેમજ વ્હીસ્કીની 50 બોટલ કિંમત રૂ.65 હજાર તેમજ 10 હજારનો મોબાઈલ મળી આવ્યો હતો.મહિલાની પૂછતાછમાં રાજકોટ રહેતા આરોપી રામદેવસિંહ ગોહિલ દારૂ ભરેલી બે બેગ મોરબી સપ્લાય કરવા આપી હોય જ્યોતિબેન ગ્રીનલેન્ડ ચોકડીથી પેસેન્જર કારમાં બેસી મોરબી દારૂ સપ્લાય માટે આવતી હોવાનું કબુલ્યું હતું. દરોડા દરમિયાન કારમાં અન્ય એક મહિલા અને પુરુષ પણ બેઠા હોય બન્નેને જવા દેવામાં આવ્યા હતા.જ્યારે કાર ચાલક અને મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી 4 લાખની કિંમતની કાર કબ્જે લેવામાં આવી હતી.