કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી તથા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ - મોરબી દ્વારા તમામ સમાજની સ્ત્રીઓ માટે કાર્યક્રમ યોજાશે
મોરબી : મોટાભાગની નારીઓ શિક્ષિત તો બની છે. પણ મોર્ડન બનવાની હોડમાં ક્યાંક ને ક્યાંક સંસ્કારો ભૂલી ગઈ છે. સંસ્કાર જ ભારતીય નારીનું અમૂલ્ય આભૂષણ હોય જો નારી જ સંસ્કારની અવહેલના કરે તો ઘર સ્વર્ગ નહિ પણ નર્ક બની જતું હોય ત્યારે મોરબીની તમામ શિક્ષિત અને મોર્ડન નારીઓને સંસ્કારનું સાચું જ્ઞાન આપવા જાગૃત સંસ્થા આગળ આવી છે અને બે દિવસીય સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહનું ભવ્ય આયોજન કરવાની નૂતન પહેલ કરી છે.
કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી તથા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ - મોરબી દ્વારા આગામી તારીખ 18 અને 19 મેં 2026ના રોજ સમય રાત્રે 8.30 વાગ્યે સ્થળ કન્યા છાત્રાલય- મોરબી ખાતે "સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ” નામના સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રેરણાદાયક પ્રવચન કરનાર અંકિતાબેન મુલાણી અને પ્રેરક વક્તા બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક કેળવવા વિશે સચોટ માર્ગદર્શન આપશે. આ સમારોહમાં વધુને વધુ નારીઓ જોડાઈને સાચી રીતે જીવન જીવવાનું માર્ગદર્શન મેળવે તે માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન આદ્રોજા અથાક પ્રયાસો કરી રહ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ એક સમાજની નારીના હિતનો કાર્યક્રમ નથી, બલ્કે સર્વ સમાજની નારીઓ માટે આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર ને માત્ર તમામ નારીઓમાં સંસ્કારો જીવંત કરવાનો છે.
મોર્ડન બનવું જરૂરી હોય તો સંસ્કારોના ભોગે તો નહીં જ
દરેક નારીઓએ ભણી ગણીને દરેક ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરવા જોઈએ અને મોર્ડન બનીને તમાંમ આધુનિક સુખ સગવડો મેળવવી એમાં કઈ ખોટું નથી. પણ મોર્ડન બનવાનો મતબલ એ નથી કે સ્ત્રીઓએ માતાપિતા સમાન સાસુ સસરા, નંણદ, દિયર, જેઠ જેઠાણીનો આદર સત્કાર ન કરે. ઘણીવાર સ્ત્રીઓ પતિનું પણ અપમાન કરી નાખતા અચકાતી નથી . જો કે, સાસુ સસરાને માબાપ જ સમજી તેમનું પ્રેમથી જતન કરવું, સંતાનોના સુખ અને ઉજ્જવળ ભવિષ્ય માટે બનતું તમામ કરી છૂટવું તેમજ ઘરની આર્થિક પરિસ્થિતિને સંતુલિત કરવા ગૃહકાર્ય સાથે જોબ પણ કરવી અને સમગ્ર કુટુંબને એકતાંતણે બાંધી રાખવો એ જ દરેક નારીના સંસ્કાર હોય છે અને સ્ત્રીઓના આવા જ સારા સંસ્કારોથી ઘર સ્વર્ગથી સુંદર બની જતું હોય છે. પણ પ્રવર્તમાન સમાજમાં સ્ત્રીઓ મોર્ડન બનવાની ઘેલછામાં સંસ્કારોનો જાણ્યે અજાણ્યે અનાદર કરતી હોવાથી સમાજ અને કુટુંબ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આ કાર્યક્રમ થકી દરેક નારીઓને મેસેજ અપાશે. તેમ તેમણે જણાવ્યું હતું.