મોરબી: મોરબીની સત્યમ્ વિદ્યાલય ખાતે સૌરાષ્ટ્રની એકમાત્ર ISRO સ્પેસ ટ્યુટર તરીકે નોંધાયેલી સંસ્થા, દાદુ ફાઉન્ડેશન મોરબી, દ્વારા બાળકો માટે એક અનોખો કાર્યક્રમ 'ઉડાન અંતરીક્ષની સફર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 500થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અવકાશ વિજ્ઞાન વિશે અદ્ભુત અનુભવ મેળવ્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મોબાઈલ પ્લાનેટેરિયમ હતું, જેમાં બાળકોને અવકાશની રોમાંચક સફર કરાવવામાં આવી હતી. આ પ્લાનેટેરિયમમાં પ્રવેશતા જ બાળકોને એવો અનુભવ થયો કે જાણે તેઓ ખરેખર અવકાશમાં તરી રહ્યા હોય. આ વર્ચ્યુઅલ સફરમાં બાળકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આપણી સોલાર સિસ્ટમ, અને એક અનોખી જંગલ ટૂરનો પણ અનુભવ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકોનો પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક રહ્યો હતો. આ પ્રકારના શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમથી બાળકોમાં વિજ્ઞાન અને અવકાશ પ્રત્યેની જિજ્ઞાસા વધી છે, જે ભવિષ્યમાં તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. દાદુ ફાઉન્ડેશનનો આ પ્રયાસ બાળકોને શિક્ષણ સાથે જોડીને તેમને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરવાનો હતો.