હળવદ : હળવદ બાર એસોસિયેશનની પ્રતિષ્ઠિત પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં ટાઈ પડતાં આખરે બંને ઉમેદવારોને છ-છ મહિના માટે પ્રમુખ પદ આપવાનો અનોખો ઠરાવ કરવામાં આવ્યો હતો.
કુલ 99 નોંધાયેલા મતદારોમાંથી 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામોમાં બંને મુખ્ય ઉમેદવારો, અતુલભાઈ પાઠક અને વી.કે. મકવાણા, ને સરખા 42-42 મત મળ્યા હતા, જ્યારે એક મત રદ જાહેર થયો હતો. ટાઈની થતા એસોસિયેશન દ્વારા સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે પહેલા છ મહિના માટે અતુલભાઈ પાઠક પ્રમુખ પદ સંભાળશે, ત્યારબાદના છ મહિના માટે વી.કે. મકવાણા પ્રમુખ તરીકે સેવા આપશે.
આ ઉપરાંત ઉપપ્રમુખ પદ પર જયદીપ સોનગરા અને સેક્રેટરી પદ પર જીતુભાઈ પારેજીયા બિનહરીફ જાહેર થયા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ભરતભાઈ ડી. ગણેશિયા અને નાયબ ચૂંટણી કમિશનર તરીકે કાળુભાઈ જી. કુરિયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.