Thursday - Aug 20, 2026

‘એક દોર... સૈનિકોના નામે’: DWPS મોરબીની વિદ્યાર્થિનીઓ નડાબેટ બોર્ડર પર જઈ જવાનોને રાખડી બાંધશે.

‘એક દોર... સૈનિકોના નામે’: DWPS મોરબીની વિદ્યાર્થિનીઓ નડાબેટ બોર્ડર પર જઈ જવાનોને રાખડી બાંધશે.

મોરબીના મુખ્ય સ્થળોએ રાખડી સંગ્રહ કેન્દ્રો શરૂ કરાશે; ડોર-ટુ-ડોર કલેક્શન પણ થશે.

મોરબી:દેશની સરહદો પર અડીખમ ઊભા રહીને રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુ સાથે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ (DWPS), મોરબી દ્વારા સતત ત્રીજા વર્ષે ‘એક દોર... સૈનિકોના નામે’ સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ ૨૨ અને ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ (શનિવાર અને રવિવાર)ના રોજ શાળાની વિદ્યાર્થિનીઓ ભારત-પાકિસ્તાન નડાબેટ સરહદ પર પહોંચશે. રક્ષાબંધનના પવિત્ર પર્વે પોતાના પરિવાર અને બહેનોથી દૂર સરહદે તૈનાત બહાદુર સૈનિકોના કાંડા પર સમગ્ર મોરબીની બહેનો વતી રાખડી બાંધીને તેમના દીર્ઘાયુષ્ય અને સુરક્ષાની પ્રાર્થના કરશે. આ પહેલ માત્ર એક પરંપરાગત વિધિ નહીં, પરંતુ મોરબીવાસીઓ તરફથી સેનાના જવાનો માટે મોકલાયેલો પ્રેમ, આદર અને વિશ્વાસનો સેતુ છે.
 

‘એક દોર... સૈનિકોના નામે’: DWPS મોરબીની વિદ્યાર્થિનીઓ નડાબેટ બોર્ડર પર જઈ જવાનોને રાખડી બાંધશે.

આ દેશભક્તિપૂર્ણ અભિયાનમાં સમગ્ર મોરબી શહેરના નાગરિકો જોડાઈ શકે તે માટે આજે શાળા દ્વારા વિવિધ જાહેર સ્થળોએ રાખડી સંગ્રહ કેન્દ્રો (કલેક્શન સેન્ટર) કાર્યરત કરવામાં આવશે જેમાં:

* સ્કાય મોલ
* કેપિટલ માર્કેટ
* મહારાણા પ્રતાપ સર્કલ

આ ઉપરાંત, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીમ મોરબીના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પણ વીર જવાનો માટે રાખડીઓ એકત્ર કરશે. શાળા સંચાલકોએ મોરબીની ધર્મપ્રેમી અને દેશભક્ત જનતાને આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈને સરહદે તૈનાત જવાનો સુધી પોતાનો સ્નેહ પહોંચાડવા અપીલ કરી છે.