Friday - Apr 17, 2026

વાંકાનેરના સ્ટેટ લેવલના ફૂટબોલ પ્લેયરનું માત્ર 13 વર્ષની વયે જ હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના સ્ટેટ લેવલના ફૂટબોલ પ્લેયરનું માત્ર 13 વર્ષની વયે જ હાર્ટ એટેકથી મોત

મહેસાણામાં ફૂટબોલ રમતી વખતે હૃદયરોગનો હુમલો આવતા સદાય માટે આંખો મીંચી દીધી, ફૂટબોલની સાથે અભ્યાસમાં પણ તેજસ્વી ખેલાડીની ઉભરતી પ્રતિભા પાંગરે એ પહેલાં જ મુરજાય જતા પરિવાર આઘાતથી સ્તબ્ધ

મોરબી : નાની ઉંમરમાં જ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાંકાનેરના કણસાગરા પરિવારના લાડકવાયા 13 વર્ષના પુત્રનું મહેસાણા ખાતે ફૂટબોલ રમતી વેળાએ હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે પરિવાર પણ આભ તૂટી પડ્યું છે.

વાંકાનેરના ભાજપના અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરાનો 13 વર્ષીય પુત્ર જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલનો ફૂટબોલ પ્લેયર હોય, તેના પરિવાર દ્વારા તેને ઉચ્ચ અભ્યાસ અને ફૂટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ આઠમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ શાળામાં હોસ્ટેલ જૈમિલ હોસ્ટેલમાં રહેતો હતો. દરમિયાન ગત સાંજે લગભગ 5:30 વાગ્યા આસપાસ જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. તે સમયે તેને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તે મેદાન પર ઢળી પડ્યો હતો. શાળા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું અવસાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે જૈમીલ ભણવામાં તેજસ્વી હતો અને બાળપણથી જ તેને ફૂટબોલ પ્રત્યે લગાવ હતો. હાલમાં નાની ઉંમરના બાળકોમાં હૃદયરોગના હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બાળક તેનો ભોગ બન્યો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.