મોરબી : હળવદ તાલુકાના ટીકર ગામે બંધ મકાનમાં થયેલ લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના સહિત કુલ રૂ. ૩,૯૪,૦૫૭નો મુદ્દામાલ રિકવર કરી આરોપીને ઝડપી પાડ્યો છે.
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રહેતા સુરેશભાઇ કાનજીભાઇ મકવાણાના રહેણાંક મકાનમાં ગત તા. ૦૬/૦૨/૨૦૨૬ના રોજ કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી સોનાના અલગ અલગ દાગીનાઓની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદીએ તા. ૧૧/૦૨/૨૦૨૬ના રોજ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ હળવદ પી.આઈ. આર.ટી.વ્યાસ અને સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મળેલી બાતમીના આધારે પોલીસે ટીકર ગામના જ રહીશ આરોપી વિશાલ રમેશભાઇ ખાંભડીયા (ઉ.વ. ૨૧) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ, જેમાં આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના (કિંમત રૂ. ૩,૯૪,૦૫૭/-) નો સમાવેશ થાય છે, તે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે