Sunday - Jun 14, 2026

મોરબીમાં શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગુરુવારે કલેકટર કચેરીએ ધરણા

મોરબીમાં શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગુરુવારે કલેકટર કચેરીએ ધરણા


શિક્ષકોની નોકરી પર તોળાઈ રહેલા સંકટને દૂર કરવા શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું

મોરબી : રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હર હંમેશ શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે. રજુઆતથી પ્રશ્નો હલ ન થાય તો આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવે છે. ત્યારે હવે રાજ્યના હજારો શિક્ષકો, કે જેમને ટીચર એલિજીબીલીટી ટેસ્ટ (TET) ની પરીક્ષા આપેલી નથી અને વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે, તેમને TET પરીક્ષા પાસ કરવાનો નામદાર ન્યાયાલયે આદેશ આપ્યો છે. આ આદેશના પગલે શિક્ષકોની નોકરી પર તોળાઈ રહેલા સંકટને દૂર કરવા શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે.

શૈક્ષિક મહાસંઘનો સ્પષ્ટ મત છે કે TET લાગુ થયા પહેલાથી સેવારત શિક્ષકો પર TET ની અનિવાર્યતા થોપવી એ નૈસર્ગિક ન્યાય તથા નિમણુંક સમયની જોગવાઈ અને સેવા શરતો વિરુદ્ધ છે. 'શિક્ષક સુરક્ષિત તો રાષ્ટ્ર સુરક્ષિત' ના સૂત્ર સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના, ગુજરાત રાજ્યના 75,000 થી વધુ અને સમગ્ર દેશના 20 લાખ જેટલા શિક્ષકોની નોકરીના હિતોનું રક્ષણ કરવા માટે જનજાગરણ અને નિર્ણાયક આંદોલન કરવા જઈ રહ્યું છે.
 

મોરબીમાં શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે ગુરુવારે કલેકટર કચેરીએ ધરણા

શિક્ષકોની સેવા સુરક્ષા માટે RTE Act 2009 ની કલમ 23 માં ભારત સરકાર સુધારો લાવે અને સેવારત શિક્ષકોને આમાંથી કાયમી મુક્તિ મળે તે મુખ્ય માંગ છે. આ આંદોલનના ભાગરૂપે સમગ્ર ભારતમાંથી એક જ દિવસે દરેક જિલ્લામાંથી વડાપ્રધાનને આવેદનપત્ર મોકલવામાં આવશે.

રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે, મોરબી જિલ્લાના શિક્ષકો પણ ખૂબ જ બહોળી સંખ્યામાં એકત્રિત થશે. આગામી તારીખ 18 જૂન 2026 ને ગુરુવારના રોજ બપોરે 4 કલાકે જિલ્લા સેવા સદન (કલેકટર કચેરી), મોરબી ખાતે ધરણાં યોજવામાં આવશે. ત્યારબાદ કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર અર્પણ કરવામાં આવશે. સંગઠન દ્વારા તમામ શિક્ષક સાથીઓને પોતાના હક માટે આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.