ધ્રાંગધ્રાના શખ્સે હળવદના શખ્સ મારફતે મોરબીના બે આરોપીઓને યુરિયા ખાતરની 400 બેગ વેચી : ચાર વિરુદ્ધ ગુન્હો
મોરબી : એક તરફ ખેડૂતોને જરૂરતના સમયે જ યુરિયા ખાતર નહિ મળી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે તેવા સમયે જ હળવદ પોલીસે કોયબા ગામ નજીક વોચ ગોઠવી યુરિયા ખાતરની 400 બેગ ભરેલ આઇસર ટ્રકને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સરકારમાં સબસીડી વાળા ખાતરના કાળાબજારમાં ધ્રાંગધ્રાના ખાતર એજન્ટ પાસેથી જથ્થો મેળવી હળવદનો શખ્સ કારમાં પાયલોટિંગ કરી ખાતર મોરબી સપ્લાય કરવા જતો જતો ત્યારે જ પોલીસે કાર્યવાહી કરી હતી.આ કેસમાં મોરબીના બે સહિત ચાર આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.
હળવદ પોલીસને મળેલી સચોટ બાતમીને આધારે ગઈકાલે કોયબા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી જીજે - 36 - વી - 5716 નંબરના આઇસર ટ્રકને અટકાવી ચેક કરતા આઇસર ટ્રકમાંથી સરકારની સબસીડી વાળું 400 બેગ યુરિયા ખાતર મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસે ખાતર વિક્રેતા આરોપી રવિરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે.ભેચડા લાખાજીનું ગામ તા.ધ્રાંગધ્રા, ટ્રકની સ્વીફ્ટ કાર નંબર જીજે - 12 - એકે - 0435માં પાયલોટિંગ કરી રહેલા આરોપી કરશનભાઇ શેલાભાઈ દોરાલા રહે.રાણેકપર હળવદ, જયદીપ છગનભાઇ ઘાટોડીયા રહે.બેલા, મોરબી અને આરોપી જયસુખ ગોપાલદાસ અગ્રાવત રહે.ભડિયાદ, મોરબી વાળા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી રૂ.8,00,456ની કિંમતનું યુરિયા ખાતર, 5 લાખનો ટ્રક, બે લાખની કિંમતની સ્વીફ્ટ કાર સહિત રૂ.15,00,456નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ભાવે વેચાણ કરવાનું નિમ કોટેડ યુરિયા આરોપી રવિરાજસિંહ ઉંચા ભાવે રાણેકપર હળવદના આરોપી કરશનભાઇને વેચતો હતો અને કરશનભાઇ આ ખાતરનો ઉપયોગ કારખાનામાં થતો હોવાનું જાણતો હોય મોરબીના લેમીનેટ્સ સહિતના કારખાનામાં ગ્રાહકો ગોતી વેચાણ કરતો હતો.જો કે, હળવદ પોલીસે બાતમીને આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ચારેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.