24 ગુનાઓમાં પકડાયેલ 32,195 બોટલ વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ કુલ રૂ.1,43,67,502/- કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે રોડ પાસે આવેલા ગારીડા ગામ અને રંગપર ગામ વચ્ચે, હોટેલ તીરથ નજીક જૂના પડતર ડામર રોડ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના 18 ગુનાઓમાં પકડાયેલ 32,029 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.1,42,88,680/- થતી હતી, તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હેઠળના 6 ગુનાઓમાં જપ્ત કરાયેલ 166 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.78,822/- હતી, તેનો પણ આ જ સ્થળે નાશ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 24 ગુનાઓમાં પકડાયેલ 32,195 બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.