મોરબી જિલ્લાના માળીયા તાલુકાના અજિયાસર ગામે ફઇની દીકરીને ભગાડી જઈ પ્રેમલગ્ન કરવા મુદ્દે કૌટુંબિક સગાઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં પ્રેમલગ્ન કરનાર સહિત ચાર શખ્સો આ બાબતનો ખાર રાખી છરી અને પાઇપ સાથે તૂટી પડતા સામાપક્ષના બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. એમાંથી એકની હાલત ગંભીર ગણાવાય રહી છે.
માળીયાના નવા અજિયાસર ગામે રહેતા અને બાંધકામમાં સેન્ટિગનું કામ કરતા શેરમામદભાઈ રાણાભાઈ નોતીયારે ફરિયાદ નોંધાવી હતી કે, તા.12ના રોજ આરોપી રસુલ વલીમામદ ઉર્ફે બચુભાઈ માણેકએ ફરિયાદી શેરમામદભાઈની બાપુજીની ફુઈની દીકરીને ભગાડી જઈ પ્રેમલગ્ન કરી નાખ્યા હોવાથી આ બેય વચ્ચે અણબનાવ હોય તેનો ખાર રાખી આરોપીઓ રસુલ વલીમામદ ઉર્ફે બચુભાઈ માણેક, હાસમ વલીમામદભાઈઉર્ફે બચુભાઈ માણેક , અવેશ વલીમામદ ઉર્ફે બચુભાઈ માણેક, સીદીક રસુલ માણેક એમ આ ચાર આરોપીઓએ એક સંપ કરી સાહેદ ગફુરભાઈ આમદભાઈ પારેડીને મારી નાખવાના ઇરાદે છરીનો પેટના ભાગે અને પીઠના ભાગે તેમજ પાઈપથી માથાના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી તેમજ સાહેદ અનવરભાઇને હાથના ભાગે સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.