મોરબી : મોરબી જિલ્લામાં માદક પદાર્થનું સેવન અને વેચાણનું પ્રમાણ વધ્યું છે ત્યારે એસઓજી એટલે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે દરોડો પાડી રહેણાંક મકાનના ફળિયામાં ગાંજો વાવનાર શખ્સની ધરપકડ કરી 3.350 કિલોગ્રામ વજનના ગાંજાના 13 છોડ કબ્જે કરી આરોપી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રહેતા આરોપી પ્રવીણભાઈ મગનભાઈ પટેલે પોતાના ઘરના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું છે. જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપીના ઘરમાંથી ગાંજાના 13 લીલાછોડ મળી આવતા પોલીસે 3.350 કિલોગ્રામ વજનના ગાંજાનો રૂપિયા 33,500નો જથ્થો કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું હતું. ગાંજાના વાવેતર મામલે એસઓજી ટીમે આરોપી પ્રવીણભાઈ પટેલની ધરપકડ કરી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ અન્વયે ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.