સ્મશાનમાં દારૂ પીવાની ના પાડતા આધેડને માર મારી માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ; આપઘાત પહેલાં બનાવેલા વીડિયોના આધારે પોલીસ ફરિયાદ
મોરબી : વાંકાનેરમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં દારૂ પીવાની તથા ગેરપ્રવૃત્તિ કરવાની ના પાડતા આધેડને માર મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ વચ્ચે આધેડે એસિડ પી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં આધેડે મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો, જેમાં છ શખ્સોના ત્રાસથી કંટાળીને આ પગલું ભરતા હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ વીડિયો આધારે મૃતકના ભાણેજે ત્રણ નામજોગ સહિત છ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં સતનામ એપાર્ટમેન્ટ પાછળ રહેતા મહેશભાઈ અનિલભાઈ રાઠોડ (ઉં.વ.26)એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રકાશ ઉર્ફે પકો દલા, અજીત મકવાણા, મનોજ મહાલીયા (ત્રણેય રહે. વાંકાનેર) તથા બે-ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહેશભાઈના મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડા વાંકાનેરના આંબેડકરનગર, શેરી નંબર-4માં રહેતા હતા. તેમના સમાજના સ્મશાનમાં કેટલાક શખ્સો દારૂ પીતા તેમજ ગેરપ્રવૃત્તિ કરતા હોવાથી દેવજીભાઈએ તેમને ઠપકો આપી દારૂ પીવાની ના પાડી હતી. ત્યારબાદ આરોપીઓએ દેવજીભાઈ સાથે મારામારી કરી હોવા ઉપરાંત તેમને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ રીતે સતત મળતા ત્રાસથી કંટાળીને દેવજીભાઈએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. જોકે, આ પગલું ભરતા પહેલાં તેમણે પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં પ્રકાશ ઉર્ફે પકો દલા, અજીત મકવાણા, મનોજ મહાલીયા તથા અન્ય બે-ત્રણ શખ્સો દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરતા હોવાનું જણાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
મૃતકના ભાણેજે આ વીડિયો સહિતની વિગતોના આધારે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.