Sunday - Oct 04, 2026

મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત

મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહનની હડફેટે આધેડનું મોત

પેટ્રોલ પંપ પાસે બાઈક ઊભું રાખ્યુંત્યારે અકસ્માત સર્જાયો, વાહનચાલક ફરાર

મોરબી : મોરબીના જેતપર રોડ પર મહેન્દ્રનગર ચોકડી તરફ જતા માર્ગે પીપળી નજીક નાયરાના પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહનની હડફેટે 58 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હતું. બાઈક રોડ સાઈડમાં ઊભું રાખ્યું હતું તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લેતા માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલી શ્યામપાર્ક સોસાયટીમાં પાટીદાર પેલેસના બ્લોક નંબર 101માં રહેતા મીતભાઈ દિનેશચંદ્ર કાનાણી (ઉં.વ.31)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા દિનેશચંદ્ર કરસનભાઈ કાનાણી (ઉં.વ.58) અને જતીનભાઈ બંને જતીનભાઈના બાઈક નંબર GJ-36-J-2949 પર હાર્ડવેરની વસ્તુઓ લેવા માટે નીકળ્યા હતા. ઇલોક્સ ટાઇલ્સ કારખાનામાં જરૂરી હાર્ડવેરનો સામાન લેવાનો હોવાથી બંને ડબલ સવારી બાઈક પર જઈ રહ્યા હતા.

દરમિયાન મહેન્દ્રનગર ચોકડી તરફ જતા માર્ગ પર રામદેવ હોટલની બાજુમાં આવેલા નાયરાના પેટ્રોલ પંપ પાસે બાઈક રોડ સાઈડમાં ઊભું રાખ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતા અજાણ્યા વાહનચાલકે દિનેશચંદ્ર કાનાણીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માાત બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર મીતભાઈની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.