હવામાન વિભાગની વરસાદની આગાહીના સંદર્ભે વરસાદની સ્થિતિની સમીક્ષા અંગે બેઠક યોજાઈ.
ગાંધીનગર:- ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી,
હવામાન વિભાગ દ્વારા આજે તારીખ 20ઓગસ્ટના રોજ અમરેલી,ભાવનગર,સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તારીખ 21ઓગસ્ટના રોજ કચ્છ,દેવભૂમિ દ્વારકા,પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તારીખ 25ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એના સંદર્ભમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની કુલ 12 ટીમ અને એસ.ડી.આર.એફ.ની 20 ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે મુકવામાં આવી છે. આ ઉપરાંત એન.ડી.આર.એફની 1 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ 1 એસ.ડી.આર.એફની ટીમ ફાળવવા રાહત નિયામકને સૂચનાઓ પણ આપી છે.
સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઈ એલર્ટ પર 27 જળાશય એલર્ટ પર તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું જણાવ્યું હતું,
આ બેઠકમાં રાહત નિયામકની કચેરી દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પણ આપવામાં આવી હતી સાથે જ ચોમાસામાં સંઘવી જ્યાં ભારે વરસાદની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે એલર્ટ રહેવા પણ જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ઈસરો, જી.એસ.આર.ટી.સી, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઇન્ડિયન આર્મી, પંચાયત અને શહેરી વિકાસ સાથે પશુપાલન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.