Wednesday - Jun 10, 2026

જેતપરમાં વીજ લાઈનના વળતર મુદ્દે ઘણા દિવસોથી પોલીસ સાથે સંઘર્ષના અંતે આજે ખેડૂતોની જંગી ટ્રેકટર રેલી

જેતપરમાં વીજ લાઈનના વળતર મુદ્દે ઘણા દિવસોથી પોલીસ સાથે સંઘર્ષના અંતે આજે ખેડૂતોની જંગી ટ્રેકટર રેલી

જ્યાં સુધી વીજ લાઈન મુદ્દે ન્યાય નહિ મળે ત્યાં સુધી નમતું નહિ જોખે તેવો મક્કમ નિર્ધાર સાથેની રેલી મોરબી કલેકટર કચેરીએ પહોંચી ઉગ્ર રજુઆત

મોરબી: મોરબીના જેતપર ગામે અદાણી કંપનીની ખેતરોમાં યોગ્ય વળતર આપ્યા વગર અધિકારીઓ અને પોલીસના બળ પ્રયોગથી વીજ લાઈન નાખવાની જોહુકમી સામે ન્યાય મેળવવા ખેડૂતો મેદાને પડ્યા છે અને ઘણા દિવસોથી બજાર કિંમત મુજબ યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પોતાના ખેતરમાં વીજ લાઈન ન નાખવા દેવા માટે ખેડૂતો તંત્ર અને પોલીસના બળ પ્રયોગ સામે પણ નમતું ન જોખીને છેક સુધી લડી લેવા ઉગ્ર લડત ચલાવી રહ્યા છે અને ખેડૂતો વિજલાઈન મુદ્દે યોગ્ય ન્યાય નહિ મળે ત્યાં સુધી નમતું નહિ જ જોખે તેવી રજુઆત સરકાર અને તંત્રના કાને પહોંચાડવા આજે જેતપર ગામે ખેડૂતોએ જંગી ટ્રેકટર રેલી કાઢી છે.

જેતપર ગામે વીજ લાઈન મુદ્દે થઈ રહેલા અન્યાયના વિરોધમાં આજે ખેડૂતોએ વિશાળ ટ્રેકટર રેલી કાઢી છે. વીજ કંપનીના આ કૃત્યના વિરોધમાં અને પોતાનો હક માંગવા માટે જેતપરના ખેડૂતો દ્વારા એક વિશાળ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. આ ટ્રેક્ટર રેલી જેતપરથી પ્રસ્થાન થઈ અને મોરબી કલેક્ટર કચેરી તરફ આગળ વધી રહી છે, જ્યાં પહોંચીને ખેડૂતો પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવશે. "અમારો હક્ક અમને આપો" અને "આપણી એકતા આપણી તાકાત" ના બેનર હેઠળ ખેડૂતો એકજૂથ થઈને માર્ગો પર ઉતરી આવ્યા છે. વીજ કંપનીની જોહુકમી સામે જેતપરના ખેડૂતોનું આ આંદોલન હવે વધુ વેગ પકડી રહ્યું છે.