Friday - May 15, 2026

મોરબીના જેતપર રોડ પર કારખાનામાં ભીષણ આગ, સદનસીબે જાનહાની નહીં

મોરબીના જેતપર રોડ પર કારખાનામાં ભીષણ આગ, સદનસીબે જાનહાની નહીં

બંધ કારખાનામાં રાત્રે આગ લાગ્યા બાદ ફાયર ટીમના  20 જવાનોએ સતત પાણીનો મારો ચલાવતા છ કલાકના અંતે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ઇટામેક્સ નામના બંધ સિરામિક કારખાનામાં, જેનો હાલ ગોડાઉન તરીકે ઉપયોગ થઈ રહ્યો હતો, ગત રાત્રીના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ પર 6 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે.

મોરબીના જેતપર રોડ પર કારખાનામાં ભીષણ આગ, સદનસીબે જાનહાની નહીં

ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ આગની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સતત 6 કલાકની ભારે જહેમત બાદ રાત્રે 3 વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને ફાયરની ટીમ વહેલી સવારે 4 વાગ્યે કામગીરી પૂર્ણ કરી પરત ફરી હતી. આ ફાયર ફાઇટિંગ ઓપરેશનમાં ફાયર વિભાગના 4 વાહનો કામે લગાડવામાં આવ્યા હતા. ફાયર વિભાગના તમામ સ્ટાફ એટલે કે 20 જેટલા જવાનોએ સતત કામગીરી કરી હતી. આ દરમિયાન અંદાજિત 20 થી 25 જેટલા ફેરા કરીને કુલ 1,30,000 લીટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જ આ ભીષણ આગને બુઝાવવામાં સફળતા મળી હતી.