ટ્રસ્ટની શાળા બનાવવા માટે દાતાઓ આગળ આવ્યા, દાનની સરવાણી વહાવી
મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દશકાથી શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપી રહેલા ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવી માધ્યમિક શાળાના બિલ્ડીંગ નિર્માણ માટે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડી સંસારની કેડીએ પ્રયાણ કર્યું છે.
મોરબીના વીસીપરા અંદર રોહીદાસ પરા પાછળ આવેલ વિજયનગર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય વર્ષ 2001થી શરૂ કરવામાં આવી છે અને હાલ આ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને સારું શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય તેવા સકારાત્મક પ્રયાસો કરવામાં આવે છે. દરમિયાન આ શાળાના બાળકોને 8 પછી અન્ય શાળામાં જવું પડતું હોય તેમાં આર્થિક પરિસ્થિતિ નડતી હોવાથી અહીંયા જ આ બાળકો માટે આગળના એટલે કે 9થી10ના અભ્યાસ માટે ટ્રસ્ટે નવી માધ્યમિક શાળા બનાવવાની નેમ વ્યક્ત કરી આ શાળાના નિર્માણ માટે આર્થિક અનુદાન મેળવવા આ દ્વિતીય સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં દીકરીઓને ઘરવખરીની તમામ જીવન જરૂરિયાતોની 83થી વધુ વસ્તુઓ સાથે ચાંદીના સાંકળા અને સોનાની નાકની ચૂક દાન સ્વરૂપે આપવામાં આવી હતી. જ્યારે શિક્ષણ દાતા તરીકે દેવકણભાઈ આદ્રોજા દ્વારા નવા નિર્માણાધિન બિલ્ડિંગમાં એક વર્ગખંડ બનાવવાની, ટ્રસ્ટના મંત્રી કેશવલાલ રામજીભાઈ ચાવડા દ્વારા પ્રિન્સિપાલ ઓફિસ નિર્માણ, ઉદ્યોગપતિ કેજી કુંડારિયા દ્વારા સ્ટાફ રૂમ નિર્માણ કરી દેવાની જાહેરાત કરી હતી. આ શુભ પ્રસંગે જમનાદાસ હિરાણી હરિહર અન્ન ક્ષેત્ર તરફથી 1700 થી વધુ મહેમાનોને ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય ઘણા લોકોએ નવી માધ્યમિક શાળાના નિર્માણ માટે દાનની સરવાણી વહાવી હતી.