Thursday - May 07, 2026

માળીયા મિયાણામાં પારિવારિક ઝઘડામાં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યો

માળીયા મિયાણામાં પારિવારિક ઝઘડામાં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યો

જેઠ - જેઠાણી વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડતા પતિને ન ગમતા ઘરનો કજીયો પોલીસ મથકે પહોંચ્યો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે સંયુક્ત કુટુંબના એક જ ફળિયામાં રહેતા પરિવારમાં નજીવી બાબતે ઝઘડો થયા બાદ પતિ, જેઠ, સસરા અને કાકાજી સસરાએ પરિણીતાને માર મારતા પારિવારિક કજીયો મથકે પહોંચ્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

માળીયા મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે સંયુક્ત પરિવારમાં રહેતા સાઈનાબેન ઉર્ફે સાહિનાબેન ફારૂકભાઈ મોવર ઉ.24 નામના પરિણીતાએ આરોપી પતિ ફારૂકભાઈ નિઝામભાઈ મોવર,સસરા નિઝામભાઈ હબીબભાઈ મોવર,કાકાજી સાઉદીનભાઈ હબીબભાઈ મોવર અને જેઠ જુસબ નિઝામભાઈ મોવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5ના રોજ તેમના જ ફળિયામાં રહેતા જેઠ હસનભાઈ અને જેઠાણી તેમજ સગી બહેન સલમાબેન બાળકો બાબતે ઝઘડો કરતા હોય ફરિયાદી સાઈનાબેન દંપતીને સમજાવવા ગયા હતા.આ વેળાએ સાઈનાબેનના પતિ આવી જતા તેમને કહ્યું હતું કે, આપણે હસનભાઈ સાથે બોલતા નથી છતાં તું કેમ તેમના ઘેર ગઈ તેમ કહી ઝઘડો કરી વાળ પકડી પછાડી દઈ અન્ય આરોપીઓએ ઢીકાપાટુ મારી ધોકા વડે મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પરિણીતાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.