SOG પોલીસની ટીમે ત્રાટકીને ગેરકાયદે ગેસના બાટલાના રિફિલિંગનું કૌભાંડ ઝડપી લીધું
મોરબી : મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના અને SOG પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મોરબી SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમ કામગીરીમાં હતી. આ દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે એક શખ્સ ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિલિંગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ગેરકાયદેસર ગેસના બાટલા રિફિલિંગ કરતા હનીફભાઈ હુશેનભાઇ બાવરા (રહે. વાકિયા, તા. વાંકાનેર, જી. મોરબી) નામના શખ્સને પકડી લીધો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો કુલ 43,650 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં અલગ અલગ કંપનીના ખાલી બાટલા નંગ 19 (કિંમત 28,500 રૂપિયા), અલગ અલગ કંપનીના ભરેલા બાટલા નંગ 6 (કિંમત 13,800 રૂપિયા), ઇલેક્ટ્રિક વજન કાંટો નંગ 1 (કિંમત 1000 રૂપિયા), ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલી નાની-મોટી નીપલ નંગ 7 (કિંમત 350 રૂપિયા) સાથે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં A પાર્ટ ગુ.ર.ન. 0435/2026 અંતર્ગત BNS કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને આગળની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.