Saturday - May 16, 2026

બાકી ભાડાની ઉઘરાણી મામલે એક શખ્સે સીરામીક કારખાનામાં તોફાન કરી સિક્યુરિટી ગાર્ડ ઉપર ગાડી ચડાવી દીધી

બાકી ભાડાની ઉઘરાણી મામલે એક શખ્સે સીરામીક કારખાનામાં તોફાન કરી સિક્યુરિટી ગાર્ડ ઉપર ગાડી ચડાવી દીધી

મોરબીના લખધીરપુર રોડ પરના સિરામિક કારખાનામાં થાર ગાડી કારખાનામાં ઘુસાડી ઇનોવા કારમાં પાછળથી ટક્કર મારી ચાર લાખનું નુકશાન કર્યું

મોરબી : સિરામિક નગરી મોરબીમા વ્યાજખોરી, દાદાગીરી અને લુખ્ખાગીરીના અનેક બનાવ વચ્ચે ગઈકાલે લખધીરપુર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં બાકી ભાડાની ઉઘરાણી માટે યુપી, બિહાર સ્ટાઈલથી ધસી આવેલા થાર ચાલકે સિક્યુરિટી ગાર્ડ પર થાર ગાડી ચડાવી દઈ દાદાગીરી આચરી ફેકટરી માલિકની ઇનોવા કારમાં જોર જોરથી થારની ટક્કર મારી 4 લાખનું નુકશાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ગંભીર બનાવની ફરિયાદ બાદ ખુદ ડીવાયએસપી બનાવ સ્થળે દોડી ગયા હતા.

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ લેક્સેસ ગ્રેનિટો નામની ફેકટરીમાં તા.23ના રોજ સાંજના સમયે જીજે - 39 - સીસી - 6926 નંબરની થાર ગાડી સાથે આરોપી અમર મનજી રબારી ધસી આવ્યો હતો. આરોપી ફેકટરીના ગેઇટ પાસે આવતા ફરિયાદ એવા ફેકટરીના સિક્યુરિટી ગાર્ડ યશપાલસિંહ સર્વેશકુમાર શ્રીવાસ્તવે શુ કામ છે તેમ પૂછતાં આરોપી અમર રબારીએ કહ્યું હતું કે, તારા શેઠ અનિલભાઈ બાબુભાઇ દેત્રોજાને બોલાવ... મારે ગાડી ભાડાના પૈસા લેવાના છે. જેથી સિકયુરિટી ગાર્ડ કહ્યું હતું કે, તમે ગેઇટ પાસ બનાવી પછી અંદર જાવ.

આરોપી અમર રબારીએ બળજબરીથી પોતાની થાર ગાડી ગેઇટમાં ઘુસાડી બાદમાં ફેકટરીના પાર્કિંગમાં પડેલી લેક્સેસ સિરામિક ફેકટરીના સંચાલક અનિલભાઇ બાબુભાઇ દેત્રોજાની જીજે - 36 - એએલ - 1523 નંબરની ઇનોવા કાર સાથે બે વખત થાર ગાડીથી ટક્કર મારી ઇનોવા ગાડીમાં રૂ.4 લાખનું નુકશાન કર્યું હતું. બાદમાં આરોપી અમર રબારીએ ગેટ પાસે ઉભેલા ફેકટરીના સુપરવાઈઝર ભાઈરામભાઈ આશારામભાઈ જોશી પર થાર ગાડી ચડાવી દઈ મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સિરામિક કારખાનેદારના પરિસરમાં જઈ પઠાણી ઉઘરાણી અને લુખ્ખાગીરીની આ ઘટનાની જાણ થતા મોરબી ડીવાયએસપી વી.બી.દલવાડી બનાવ સ્થળે દોડી ગયા હતા.