મોરબી : આજનો યુગ ટેકનોલોજી અને વિજ્ઞાનનો છે, છતાં સમાજમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાના મૂળિયાં ઊંડા ઊતરેલા જોવા મળે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભોળી જનતાને 'ચમત્કાર'ના નામે છેતરતા ધૂતારાઓનો પર્દાફાશ કરવા માટે નિર્શિવ ફાઉન્ડેશન (Nirshiv Foundation) દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે.
ઢોંગી તત્વોનો પર્દાફાશ અને વૈજ્ઞાનિક સમજની જાગૃતિ લક્ષી આ કાર્યક્રમમાં જાણીતા જાદુગર ડોલર ચુડાસમા દ્વારા વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સામાન્ય રીતે ધૂતારા અને ઢોંગી બાવાઓ જે કરતબ બતાવી લોકોને છેતરે છે, તેનું જીવંત પ્રદર્શન કરી તેની પાછળનું વિજ્ઞાન સમજાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મોઢામાં સળગતા, કોલસા કે દેતવા મૂકવા.
મૂર્તિને દૂધ પીવડાવવું., હથેળીમાં દીવા પ્રગટાવવા, ધૂપને પાણી છાંટીને સળગાવી દેવો.
આવા અનેક કરતબો પાછળ કોઈ દૈવી શક્તિ નહીં પરંતુ કેમિકલ સાયન્સ અને હાથચાલાકી જવાબદાર છે, તેની વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓને આપી અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ
આ તકે Nirshiv Foundation ના ફાઉન્ડર રોહન રાંકજા, આરતી રોહન, શ્રુતિ રાંકજા અને ભક્તિ મારવણીયાએ હાજરી આપી હતી. આ સાથે સી.આર.સી. (C.R.C.) શિરીષભાઈ રાંકજા એ પણ હાજરી આપી સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી.
શાળા પરિવારનો સહયોગ
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી પંકજભાઈ ઠોરીયા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષકગણ જોડાયો હતો. જેમાં અશ્વિનભાઇ કાવર, સંજયભાઈ પડસુંબીયા, દર્શનાબેન સરડવા, સરસ્વતીબેન તારપરા, રમેશભાઈ હુંબલ, ભરતભાઈ કાંજીયા અને સરોજબેન સરડવાએ જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કુતૂહલ સાથે જ્ઞાનનો સંચાર થયો હતો અને તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય અંધશ્રદ્ધામાં ભોળવાશે નહીં.