Monday - Aug 24, 2026

200વર્ષ જુના ટંકારાના ઘુનડા (ખાનપર) ગામમાં પીવાના અને સિંચાઇના પાણીની મોટી તંગી

200વર્ષ જુના ટંકારાના ઘુનડા (ખાનપર) ગામમાં પીવાના અને સિંચાઇના પાણીની મોટી તંગી

 ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે વર્ષોથી પીવાના પાણીની કટોકટીની ભારે હૈયાહોળી સર્જાય છે. આ ગામમાં સૌથી મોટી પાણીની વિકટ સમસ્યા છે. ગામને પાણી પૂરતું મળતું જ નથી. જેટલું સંપ દ્વારા પાણી મળતું હોય એટલું ગામને પહોંચે ત્યાં સુધી પાણી આપીને બાકીના બચેલા લોકોની તરસ છીપાવવા માટે બોર નું પાણી પીવા મજબુર થવું પડે છે..જો આનો કોઇ યોગ્ય નિકાલ ન આવે તો બોર ના પાણી થી પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ ભવિષ્યમાં વધી શકે છે એવું સરપંચ નું કેહવું છે. પાણી પુરતું મળે તેનો એકજ ઉકેલ છે ખીજડીયાથી ઘુનડાની નવી લાઈન પીવાના પાણીની નખાય તો સરળતા થી આખા ગામને પીવાનું ચોખું પાણી મળી રહે.. જેની અરજી પણ કરેલ છે. સરપંચ આશાબેન જયેશભાઈ

ટંકારાના ઘુનડા (ખાનપર) ગામના સરપંચ આશાબેન કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, 200 વર્ષ જુના ગામમાં જલ એજ જીવન કહેવતને સાર્થક કરવા માટે આકરો સંઘર્ષ કરવો પડે છે. 2800ની વસ્તી ધરાવતા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર અને 1થી8 ધોરણ સુધીની સ્કૂલ, 100 ટકા ભૂગર્ભ ગટર, રોડ તમામ પાકા, લાઈટ અને કચરાની યોગ્ય વ્યવસ્થા હોય પણ મુખ્ય જરૂરિયાત એવી પીવાના પાણીના ભારે સાંસા છે. એનું કારણ લજાઈ સંપમાં વિતરણ કરાતું પાણી ક્યારેય આ ગામની વસ્તીને પૂરું પડતું નથી. વર્ષોથી ધીમું અને અપૂરતું પાણી મળતું હોય બાકીના બચેલા લોકોને બોરનું પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે આ ગામને ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર કટોકટીનો પહાડ જેવો પ્રશ્ન હોય અને ગામલોકોને વરસાદ પૂરો પડે કે ન પડે પણ ગામલોકોની તરસ ક્યારેય પૂરતી રીતે છીપાતી ન હોય ત્યારે સિંચાઇ માટે પાણી મળવાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઉભો ઢાળ હોવાથી કેનાલ બની શકે એમ ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ સારો પડે તો ખેતીમાં માલામાલ પણ કદાચ વરસાદ યોગ્ય રીતે ન પડે તો પાયમાલ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે હાલ ચેકડેમમાં પાઇપ નાખી ઇરીગેશનથી પાણીની વ્યવસ્થાનું કામ મંજુર થઈ ગયું હોય પણ આચારસહિતનાને કારણે કામ શરૂ થઈ શક્યું નથી.