Monday - Aug 24, 2026

હળવદના સરંભડામાં હેવી લાઈનનો તાર તૂટ્યો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

હળવદના સરંભડામાં હેવી લાઈનનો તાર તૂટ્યો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ચાલુ વીજ લાઈનનો વાયર ખેતરમાં પડતાં મોટરો-વીજ ઉપકરણો બળીને ખાખ; ખેતરમાં કરંટ ફરી વળતા ખેડૂતોમાં ભય

મોરબી : હળવદ તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી 220 કેવીની સરકારી વીજ લાઈનનો વાયર આજે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર અચાનક તૂટી પડતાં ખેડૂતોમાં ભારે ભય ફેલાયો હતો. ચાલુ વીજ લાઈનનો વાયર ખેતરમાં પડતાં વીજ પ્રવાહના કારણે ખેતરમાં લગાવેલી ઈલેક્ટ્રિક મોટરો, વીજ વાયર સહિતના ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

સરંભડા ગામના ખેડૂતો દ્વારા હાલ ખેતરોમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને પાકને પાણીનું પિયત કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન 220 કેવીની હેવી વીજ લાઈનનો વાયર ખેતરમાં તૂટી પડ્યો હતો. વીજ લાઈનમાં પ્રવાહ ચાલુ હોવાથી ખેતરોમાં લગાવેલા તાર અને અન્ય વીજ ઉપકરણોમાં પણ કરંટ પ્રસરી ગયો હતો. જેના કારણે ખેડૂતો માટે પોતાના જ ખેતરમાં જવું પણ જોખમી બની ગયું હતું.

ઘટનાની જાણ જવાબદાર અધિકારીઓને કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તૂટી પડેલા વાયરને રિપેર કરવા તેમજ વીજ પ્રવાહ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.
 

હળવદના સરંભડામાં હેવી લાઈનનો તાર તૂટ્યો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

જેતપરના ખેડૂતોની ચિંતા વચ્ચે સરંભડાની ઘટના ચર્ચામાં

છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીની વીજ લાઈન અને વીજપોલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાંથી વીજપોલ અને લાઈનો પસાર થવાથી ખેતીકામ દરમિયાન તેમના જીવનને જોખમ ઊભું થાય છે. ભાવિ પેઢીને પણ ખેતીની સાથે આ પ્રકારનું જોખમ ન આપવું પડે તે માટે ખેડૂતો વળતર કરતાં ખેતરમાંથી વીજપોલ જ દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

જેતપરના ખેડૂતો જે જોખમની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, તેવી જ સ્થિતિ સરંભડા ગામે આજે સામે આવી છે. ખેતરમાં કામ કરતા ખેડૂતોની વચ્ચે ચાલુ 220 કેવીની વીજ લાઈનનો વાયર તૂટી પડતાં માત્ર એક ક્ષણમાં ગંભીર જોખમ ઊભું થયું હતું. સદનસીબે કોઈ ખેડૂત કે અન્ય વ્યક્તિ કરંટની ઝપેટમાં આવી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
 

હળવદના સરંભડામાં હેવી લાઈનનો તાર તૂટ્યો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી