Wednesday - Apr 22, 2026

વાંકાનેરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અશ્વ શોને ખુલ્લો મૂકાયો

વાંકાનેરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અશ્વ શોને ખુલ્લો મૂકાયો

જમીન ઉપલબ્ધ થશે એટલે અશ્વ માટેનું બ્રિડિંગ સેન્ટર ફાળવાશેઃ મંત્રી જીતુભાઈ વાઘાણી

વાંકાનેર : વાંકાનેરના ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે આજે તારીખ 26 ડિસેમ્બરથી 17મો કામા અશ્વ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ અશ્વ શોના પ્રારંભે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને અશ્વ શોને ખુલ્લો મૂક્યો હતો.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્વ. ડો. દિગ્વિજયસિંહ ઝાલા હંમેશા અશ્વ પ્રેમી રહ્યા છે. તેમણે અશ્વ માટે એસોસિએશન પણ બનાવ્યું હતું. અશ્વનું બ્રિડિંગ, વિસ્તાર અને પ્રચાર પ્રસાર થાય અને અશ્વોનું સંવર્ધન થાય તે માટે તેમણે અથાગ પ્રયાસો કર્યા છે. હાલ સાંસદ મહારાજા કેસરદેવસિંહ ઝાલાએ નેતૃત્વ લઈને આ કામા અશ્વ શોનું આયોજન કર્યું છે. આજથી આ અશ્વ શોનો પ્રારંભ થયો છે. આ અશ્વ શોમાં 250થી પણ વધુ અશ્વો ભાગ લેશે. કાઠિયાવાડી અશ્વ, મારવાડી અશ્વ અને કચ્છી-સિંધી અશ્વ એ આપણી વૈશ્વિક ઓળખ છે. અશ્વોનું સંવર્ધન થાય તે માટે રાજ્ય સરકાર પણ ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં એક અશ્વ શો થતો હતો પરંતુ હવે ત્રણ અશ્વ શો કરવાનું આયોજન રાજ્ય સરકારનું છે.

વધુમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજ રોજ સૌપ્રથમ અશ્વ માટેની કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. અહીંયા જે અશ્વો લઈને અસ્વારો આવ્યા છે તેમને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું. સાથે જ અશ્વો માટે બ્રિડિંગ સેન્ટરની માગ હતી તે અંગે પણ સરકાર દ્વારા જમીન ઉપલબ્ધ થાય એટલે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ બ્રિડિંગ સેન્ટર ફાળવવામાં આવશે.

વાકાંનેર ખાતે પશુપાલન ખાતુ - કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ટુરિઝમ વિભાગ ગુજરાત રાજયના સહયોગથી શ્રી કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન-ગુજરાત દ્વારા કામા અશ્વ શો 2025-26 રણજીત વિલાસ પેલેસ ગાઉન્ડ, ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે, વાંકાનેર ખાતે તા. 26 થી 28 ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. નામદાર મહારાણા રાજસાહેબ સ્વ. ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં યોજાયેલા આ અશ્વ શોમાં ઠેર-ઠેરથી અસ્વારો પોતાના અશ્વો લઈને સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યા છે.

કામા અશ્વ શો-2025" ત્રણ દિવસ ચાલશે. જેમાં 250 જેટલા અશ્વો જોડાયા છે. જેમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી અશ્વ કરતબ કરતા જોવા મળશે. ત્રણ દિવસ દરમિયાન અશ્વ એન્ડયુરન્સ, બેરલ રેસ, ટેન્ટ પેગિંગ, મટકી ફોડ, રેવાલ ચાલ સહિતના 19 જેટલી રમતો જોવા મળશે. આ ઉપરાંત પોલીસ વિભાગની માઉન્ટ યુનિટ પણ ભાગ લેશે. તેના 27 અશ્વ વિવિધ કરતબ બતાવશે.

આજ રોજ આ અશ્વ શોના પ્રારંભે કેસરીદેવસિંહ ઝાલા (સાંસદ), જીતુભાઈ વાઘાણી (પશુપાલન મંત્રી), જગદીશભાઈ મકવાણા (નાયબ દંડક), રિવાબા જાડેજા (શિક્ષણમંત્રી), હીરાભાઈ સોલંકી (ધારાસભ્ય), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય), મોહનભાઈ કુંડારીયા (પૂર્વ સાંસદ), જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ), જયંતીભાઈ ભાડેસીયા, સત્યજીતસિંહ (જસદણ સ્ટેટ), ઘનશ્યામસિંહ મહારાજ (ગોંડલ) ઉપસ્થિત રહ્યા હતા.

વાંકાનેરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અશ્વ શોને ખુલ્લો મૂકાયો
વાંકાનેરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અશ્વ શોને ખુલ્લો મૂકાયો
વાંકાનેરમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં અશ્વ શોને ખુલ્લો મૂકાયો