Friday - Feb 13, 2026

મોરબીમાં ક્રીપ્ટો કરન્સીના નામે દોઢ કરોડની ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઇ

મોરબીમાં ક્રીપ્ટો કરન્સીના નામે દોઢ કરોડની ઠગાઈ કરનાર ગેંગ ઝડપાઇ

મોરબી : મોરબીના વેપારી સાથે ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા 1.51 કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધાયાના 12 દિવસમાં જ બેન્ક એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરી હાલોલના બે અને ગોધરાના એક આરોપીને દબોચી લઈ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે દોડધામ શરૂ કરી છે.

મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા અને શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સીના નામે વેપાર કરતા નૈમિશ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ બે અલગ અલગ વોટ્સએપ મોબાઈલ નંબર ધારક તેમજ અન્ય સાત બેન્ક એકાઉન્ટ ધારક સહિત નવ આરોપીઓ વિરુદ્ધ યુએસડી ક્રીપ્ટો કરન્સીમા રોકાણ કરવા લોભામણી લાલચ આપી 1,51,02,500 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લઈ આજદિન સુધી પરત નહિ આપતા છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કે.કે.દરબાર અને તેમની ટીમને મહત્વની સફળતા મળી છે. વેપારી પાસેથી છેતરપિંડીથી નાણાં મેળવી લેનાર સાયબર ગઠિયા પૈકી પોલીસે હાલોલના બેન્ક એકાઉન્ટ ધારક રાકેશ સોલંકીને ઝડપી લેતા આરોપીએ વટાણા વેરી દઈ અન્ય બે આરોપીના નામ કબુલતા પોલીસે આરોપી રાકેશ રાઠવા રહે.હાલોલ અને ગોધરાના અરવિંદ પરમાર નામના શખ્સને પણ ઉપાડી લેતા બન્ને શખ્સો સાયબર ગઠિયા માટે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી આપતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર હોય પોલીસ જુદી-જુદી વિગતો ઓકાવી રહી છે.

સાયબર છેતરપિંડીમાં મેળવેલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે સાયબર ગઠિયા ભલાભોળા અભણ કે અજ્ઞાની માણસોને શિકાર બનાવી પૈસા જમા કરાવવા માટે અન્ય લોકોના બેન્ક એકાઉન્ટ ભાડેથી મેળવતા હતા જેમાં મોરબી પોલીસના હાથે ઝડપાયેલા હાલોલના રાકેશ સોલંકીને એક લાખ આપવાની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ભાડે લીધું હતું. જો કે આરોપી રાકેશને એક લાખ મળે તે પહેલા જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

ચબરાક સાયબર ગઠિયા દ્વારા ગુજરાતમાં સાયબર ફ્રોડ બાદ છેતરપિંડીની રકમ અન્યોના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે મોટા પ્રમાણમાં બેન્ક એકાઉન્ટ ભાડે લેતા હતા જેમાં મોરબી પોલીસે ઝડપી લીધેલા આરોપી રાકેશ રાઠવા રહે.હાલોલ અને અરવિંદ પરમાર રહે.ગોધરા વાળાઓ લોકોને ભોળવી પૈસાની લાલચ આપી બેન્ક એકાઉન્ટ ભાડે મેળવવાની કામગીરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.