અંતે મોકડ્રીલ જાહેર હોવાનું જાહેર થતા તમામે રાહતનો દમ લીધો
મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલી જી.કે. હોટલમાં આગ લાગો હોવાથી હોટલના પ્રથમ માળે એક ગેસ્ટ વ્યક્તિ ફસાયા હોય તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી માટે હોટેલ સંચાલકે ફાયર બીગ્રેડને જાણ કરી હતી.આથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તત્કાળ ફાયર ટીમ સાધનો સાથે હોટલ પર પહોંચી યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરી હતી અને ફાયર ફાઈટીંગ કરી આગ પર કાબુ મેળવી પ્રથમ માળે ફસાયેલા ગેસ્ટને સહી-સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. અંતમાં આવી મોટી હોટેલમાં આગ લાગે ત્યારે ફાયર ટીમ આગ બુઝાવવા અને બચાવની કામગીરી કરવા કેટલી સક્ષમ છે એની કસોટી માટે આ મોકડ્રીલ કરવામાં આવી હોવાનું જાહેર કરાતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર શાખા દ્વારા તાજેતરમાં શાળામાં 15 વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શનની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત હોટલના સ્ટાફ અને હાજર નાગરિકોને પણ આગ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજણ આપવામાં આવી હતી. તેમજ શહેરની વિવિધ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે બિલ્ડીંગો પાસે ફાયર NOC નથી તેમને નોટીસ ફટકારી જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે. અગાઉ આપવામાં આવેલી નોટીસના પગલે અત્યાર સુધીમાં 189 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ અથવા કાર્યરત છે.