માળિયા તાલુકામાં આજે અત્યંત કરુણ કહી શકાય એવી દુર્ઘટના સર્જાઈ હતી. માળિયા તાલુકાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા આ ત્રણેય હતભાગી બાળકોના પરિવારજનો હિબકે ચડ્યા હતા અને આખા ગામમાં શોકની કાલીમાં છવાઈ જતા સન્નાટો વ્યાપી ગયો છે. આ ત્રણેય બાળકો તળાવમાં ન્હાવા પડતા તરતા ન આવડતું હોવાથી ડૂબી જવાથી આ કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
માળિયા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.વ.13 ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.વ. 13 અને મેહુલ ભુપતભાઇ મહાડિયા ઉ વ..10 નામના ત્રણ બાળકોના ગામના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં માળિયા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને મૃતકોને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. આ અંગે માળિયા પોલીસના જમાદાર સમરથસિંહે જણાવ્યું હતું કે, આ ત્રણેય બાળકોમાં ગોપાલ અને શૈલેષ કાકા બાપાના દીકરા છે અને મેહુલ સગો નહિ પણ એક સમાજનો હોવાથી આ ત્રણેય મિત્રો હોય અને સાથે જ રમતા હતા. દરમિયાન આજે બપોરે 12-1 વાગ્યાની આસપાસ ઘરેથી ત્રણેય બાળકો રમવા જવાનું કહીને નીકળ્યા હતા અને તળાવમાં ન્હાવા પડતા તરતા ન આવડતું ન હોય ડૂબી જવાથી મોત નિપજતા ત્રણેય પરિવારોએ હૈયાફાટ આક્રંદ કરી મુકતા આખું ગામ શોકમગ્ન બની ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં જ મચ્છુ નદીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો મૃત્યુ પામ્યા બાદ આ બીજી કરુંણાતીકા સર્જાય હતી.
માળિયા પોલીસે કહ્યું હતું કે, આ ત્રણ બાળકો શૈલેષ, ગોપાલ અને મેહુલ સાથે એક ચોથો છોકરો પણ ગામના તળાવે ગયો હતો.પણ એ છોકરો તળાવમાં પાણી ઊંડું હોવાનું કહી કાંઠે જ બેસી રહ્યો હતો. જ્યારે ઓલા ત્રણ બાળકોએ ગરમીથી બચવા તળાવમાં સીધી ડૂબકી લગાવી દીધી હતી. પણ આ ત્રણ બાળકો તળાવમાં ડૂબી ગયા હોય બહાર દેખાતા ન હોવાથી કાંઠે બેસેલો છોકરાએ ગામમાં જઈને આ ઘટનાની જાણ કરી ત્યારે તેના પરિવારજનો અને ગ્રામજનો તથા દિલીપભાઈ સહિત ચાર તરવૈયાઓએ તળાવમાં ત્રણેય બાળકોને શોધી કાઢ્યા હતા. પણ આ ત્રણ બાળકોના મૃતદેહો જ બહાર આવ્યા હતા.
ગોપાલ પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો
માળિયા પોલીસે જણાવ્યું હતું કે, ખરા બપોરે આ ઘટના બની હોવાથી તે સમયે તળાવ પાસે કોઈ ન હતું. જો કોઈ તળાવ પાસે હોત તો કદાચ આ દુર્ઘટના ન બનત. પણ જે ગોપાલ નામનો બાળક તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યો એ પાંચ બહેનોનો એકનો એક માડી જાયો વિરો હતો. પાંચ બહેનો હવે કોના કાંડે રાખડી બાંધશે અને આ નાના ભાઈને કેવી રિતે લાડ કરાવશે ? આવી પોક મૂકી ચોધાર આંસુએ રડી પડતા તેના માવતર પણ આંસુઓનો બંધ રોકી શક્યા ન હતા.