પોલીસ પુત્રની શોધખોળ કરવામાં યોગ્ય સહકાર ન આપતી હોવાનો આક્ષેપ સાથે પિતાએ LCB અથવા SOG અથવા CID જેવી એજન્સીને સોંપવાની માંગ કરી અને યોગ્ય તપાસ કરી જો પુત્રને શોધી કાઢવામાં નહિ આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર રોડ પર રોયલ પાર્કમાં રહેતા પ્રભાત માંડણ રાઠોડનો 25 વર્ષીય પુત્ર સરમણ પ્રભાત રાઠોડ છેલ્લા 2 વર્ષથી લાપતા હોય આ મામલે પોલીસમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ભાળ ન મળતા હતાશ થયેલા પિતાએ હવે આ કેસની તપાસ LCB અથવા SOG ને સોંપવાની માંગ કરી
સામાકાંઠે રહેતા પ્રભાતભાઈ રાઠોડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમનો 25 વર્ષનો પુત્ર સરમણ રાઠોડ સિમ્પોલો સિરામિકમાં નોકરી કરતો હતો. ગત તારીખ 10/06/2024 ના રોજ બપોરના 1 વાગ્યાની આસપાસ તે ઘરે જમીને કોઈને કહ્યા વગર પોતાનો મોબાઈલ અને સ્કૂટર ઘરે મૂકીને ક્યાંક નીકળી ગયો હતો. ત્યારબાદ તે પરત ન ફરતા મિત્રો અને સગાસંબંધીઓમાં ભારે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ જ પત્તો ન લાગતા આખરે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદા 9/2024 થી નોંધ કરાવવામાં આવી હતી.જોકે, બે વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસને સરમણની કોઈ જ ભાળ મળી નથી. પ્રભાત રાઠોડે તારીખ 20/05/2026 ના રોજ મોરબી એસ.પી. ને પણ લેખિત અરજી આપી હતી, પરંતુ કોઈ જ સંતોષકારક જવાબ કે પરિણામ મળ્યું નથી.
પિતાએ પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આક્ષેપ કરતા તેમણે માંગ કરી છે કે, આ કેસની સઘન તપાસ LCB અથવા SOG અથવા CID જેવી એજન્સીને સોંપવામાં આવે. જો યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરી તેમના પુત્રને શોધી કાઢવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ, આંદોલન કે આત્મવિલોપન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.