સરકાર એકબાજુ ભણે ગુજરાત અને વિવિધ શૈક્ષણિક યોજના દાખલ કરતી હોય પણ બીજી તરફ વાસ્તવમાં શિક્ષણની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓ જાયે તો જાયે કહા ?
મોરબી : માળિયા મિયાણા તાલુકો શિક્ષણની સુવિધામાં ખૂબ જ પછાત હોવાની મોટી ખામી હાલ વિદ્યાર્થીઓ માટે ભારે પડી છે. જેમાં માળિયા તાલુકો હોવા છતાં આજના યુગમાં પણ માત્ર ધો.10 સુધીના શિક્ષણની વ્યવસ્થા હોય એમાં પણ માત્ર બે જ હાઇસ્કુલ છે. આ બન્ને હાઈસ્કૂલમાં હાલ એડમિશન ફૂલ થઈ ગયા હોય ત્યારે 19 વિદ્યાર્થીઓ ધો.9માં એડમિશનથી વંચિત રહી ગયા છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું એને ખાસ્સો સમય થઇ ગયો હોય ત્યારે જો આ 19 વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે એડમિશન ન અપાઈ તો ડ્રોપઆઉટ એટલે શિક્ષણથી વંચિત રહી જાય એવી ગંભીર સ્થિતિ સામે આવી છે. સરકાર એકબાજુ ભણે ગુજરાત અને વિવિધ શૈક્ષણિક યોજના દાખલ કરતી હોય પણ બીજી તરફ વાસ્તવમાં શિક્ષણની અપૂરતી સુવિધાને કારણે વિદ્યાર્થીઓ જાયે તો જાયે કહા ? તેવી પરિસ્થિતિ ઉદભવી છે.
માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે, માળીયા તાલુકામાં હવે બાળકો અને વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આવડા મોટા તાલુકામાં ખપ પૂરતી જ શિક્ષણની સવલત છે. તેથી ધો.8 સુધી ભણીને અસંખ્ય વિદ્યાર્થીઓ ધો.9માં એડમિશન લેવા માટે પડાપડી કરે છે. પરંતુ માળીયા શહેરમાં એકમાત્ર જોશી હાઈસ્કૂલમાં પહેલેથી જ વધુમાં વધુ 70 વિદ્યાર્થીઓની મર્યાદા હોય એ પણ ભરાઈ ગઈ છે. તેમજ આ હાઈસ્કૂલમાં અનેક શિક્ષકોની અછત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માળીયાના મોટી બરાર ગામે આવેલ મોડલ સ્કૂલમાં પણ ધો.9ના વર્ગો ભરાઈ ગયા છે. એટલે ધો.9માં સંખ્યા ફૂલ થઈ ગઈ છે. આથી માળીયાના 19 કેટલા વિદ્યાર્થીઓને ધો.9માં પ્રવેશ મળી શક્યો નથી. આ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ધો.9માં પ્રવેશ મેળવવા માટે ભારે ધક્કે પે ધક્કા કરી રહ્યા છે. પણ તેમને નિરાશા જ મળે છે. આ વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી અન્ય શહેરની સ્કૂલમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકે એમ નથી. આથી આ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળે તો તેમનું શિક્ષણ અધવચ્ચેથી છુંટી જાય એમ છે. ત્યારે એકબાજુ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓને ફરી સ્કૂલે એડમિશન લેવડાવવાની ભારે કવાયત કરી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો દાવો કરવામાં આવે છે. પણ હકીકતમાં પરિસ્થિતિ જુદી જ છે. શિક્ષણની ઓછી સુવિધાને કારણે વિદ્યાર્થીઓએ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેથી આ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ ન થાય એ માટે સ્કૂલમાં વધારાના વર્ગો શરૂ કરો અથવા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ અન્ય અને યોગ્ય નજીકની સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ આપવાની માંગ કરી છે.