Wednesday - Jun 17, 2026

માળીયા મિયાણાના ભોળીપાટમાં શાળા બનાવવા માટે ખેડૂતે 1300 ચો.મી. જમીન દાનમાં આપી

માળીયા મિયાણાના ભોળીપાટમાં શાળા બનાવવા માટે ખેડૂતે 1300 ચો.મી. જમીન દાનમાં આપી

શિક્ષણ માટે ભૂમિદાન કરનાર ખેડૂતનું જિલ્લા કલેકટર ડી.ડી.ઓ. અને ડી.પી.ઈ.ઓ. ના હસ્તે વિશેષ સન્માન કરાયુ

મોરબી :આજના કહેવાતા આધુનિક યુગમાં શેઢાની તકરારમાં બે સગા ભાઈઓ વચ્ચે ખૂની ખેલ ખેલાય જાય છે. જમીનના એક ટુકડા માટે અનેક પ્રપંચો અને ખૂન ખરાબા વચ્ચે મોરબી જિલ્લાના વિકાસની દ્રષ્ટિએ પછાત માળીયા મિયાણા શહેરમાં હૃદય મનને ટાઢક મળે તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં રાત દિવસ કાળી મજૂરી કરી અન્ન પકવીને જગતને અન્ન પૂરું પાડતાં ખેડૂતે પોતે નિરક્ષર હોય પણ આવનારી પેઢીનું ભાવિ ઉજ્જવળ બને એ માટે પોતાની આજીવિકા અને માં સમાન ખેતીમાંથી 1300 ચો.મી. જમીન શાળા બનાવવા માટે દાનમાં આપી દીધી છે.

માળીયા મિયાણાના ભોળીપાટમાં શાળા બનાવવા માટે ખેડૂતે 1300 ચો.મી. જમીન દાનમાં આપી
માળીયા મિયાણાના ભોળીપાટમાં શાળા બનાવવા માટે ખેડૂતે 1300 ચો.મી. જમીન દાનમાં આપી

માળીયા મિયાણાના ભોળીપાટ વિસ્તારમાં તાજેતરમાં પ્રાથમિક શાળાના બે નવા ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, આ વિસ્તારની આજુબાજુમાં શાળા બનાવવા માટે કોઈ સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ જ ન હતી. તેથી આ જમીન વગર શાળાનું નિર્માણ ક્યાં કરવું તેવી ગંભીર સ્થિતિ સામે આવી હતી. જમીન વગર શાળાનું નિર્માણ કામ અટકી પડે એમ હોવાની ગંભીર બાબત અહીંના એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીના ધ્યાને આવી હતી. તેમણે એક ક્ષણનો વિલંબ કર્યા વગર કે જરાય ખચકાયા વગર શાળા બનાવવા માટે જેટલી જરૂર હોય એટલી 1300 ચોરસ મીટર જમીન તેમની ખેતીની જમીનમાંથી શાળા બનાવવા માટે અર્પણ કરી દીધી હતી. જો કે તેઓ નિરક્ષર છે અને ખેતીની જમીન જ એમના આખા સંયુક્ત પરિવાર માટે આજીવિકાનું સાધન છે. આ ખેતીમાં તેઓ સહિત આખો પરિવાર કાળી મજૂરી કરતો હોય અને કેનાલની સુવિધા ન હોય ત્યારે ઘણીવાર ચોમાસું નબળું જાય એટલે આર્થિક સંકટ ભોગવવું પડતું હોય આવી સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ એક ખેડૂતે અન્ય બાળકોના શિક્ષણ માટે ખેતીની જમીન આપી દીધી હોવાની છેક રાજ્ય સરકારને જાણ થઈ હતી. જેથી મોરબી જિલ્લાના કલેકટર  સ્વપ્નિલ ખરે દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા પણ તેઓનું  સન્માન કરાયું હતું.