આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવા છતાં યુવાને કઠોર મહેનત કરી એન્જિનિયરની માસ્ટર ડીગ્રીમાં ટોપર બન્યો
(રવિ બરાસરા) મોરબી : મોરબીના એક યુવાને માનવ જીવન જ એક સંગ્રામ હોય જીવનના દરેક મોરચે લડવું પડતું હોય એટલે કપરા સંજોગો સામે દ્રઢ મનોબળથી બાથ ભીડી કઠોર મહેનતથી ધાર્યું પરિણામ મેળવી શકાતું હોવાનું સિદ્ધ કર્યું છે. જેમાં મોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસે રહેતા 24 વર્ષીય રમેશ મોતીભાઈ સોલંકીએ એન્જિનિયરિંગની માસ્ટર ડીગ્રીમાં ટોપર બનીને જ્વલંત સિદ્ધિ મેળવી છે. તેના પિતા મોતીભાઈ દલાભાઈ સોલંકી અને માતા પણ કારખાનામાં મજૂરી કામ કરે છે. એટલે તેમની આવક સામાન્ય હોય આવી નબળી આર્થિક પરિસ્થિતિમાં મોંઘવારીને કારણે ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચાલી શકે. પણ પિતા પોતે ધો.12 સુધી ભણેલા હોવાથી શિક્ષણનું મહત્વ સારી રીતે સમજતા હોવાથી તેમના પાંચ સંતાનોમાં ચાર પુત્રી અને એક પુત્રને ભણાવવામાં કોઈ કસર છોડી નથી. તેમનો સૌથી નાનો પુત્ર રમેશ સોલંકી પહેલા ઘોરણથી ભણવામાં હોશિયાર હોવાથી પિતાએ પણ કારખાનામાં એક શ્રમિક તરીકે તનતોડ મહેનત કરીને પુત્રને ભણાવવા માટે આર્થિક રીતે મદદરૂપ થવા કોઈ કસર છોડી ન હતી. આથી પુત્રએ ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા ઉચ્ચ ગુણે ઉત્તીર્ણ થયો હતો. ત્યાં સુધી તો વાંધો ન આવ્યો પણ તેણે ધો. 12 પછી એન્જિનિયરિંગમાં જવાનું નક્કી કરતા તેના મનમાં પોતાના ઘરની સાધારણ આર્થિક પરિસ્થિતિને કારણે મોંઘું ઇજનેરી શિક્ષણ મેળવી શકશે કે નહીં તેવો સવાલ મુંઝવતા પિતા ત્યારે અડીખમ તેની પડખે ઉભા રહીને કહ્યું કે બેટા તું જરાય ચિતા ન કર તારે જે ક્ષેત્રમાં ભણવું હોય એમાં તને ભણવાની છૂટ છે. પૈસાની તું જરાય ફિકર ન કરતો. પૈસાનું હું મેનેજ કરી લઈશ, પિતા તરફથી આટલું પ્રહોત્સાન મળતા તેણે ભણવામા પાછું વળીને જોયું જ નહીં અને અઘરી ગણાતી ચાર વર્ષની એન્જિનિયરની ડિપ્લોમા ડીગ્રી ઉચ્ચ ગુણે પાસ કરીને આગળ એન્જિનિયરની માસ્ટર ડીગ્રી પણ મેળવી લીધી હતી. પણ તેની કઠોર મહેનતથી માસ્ટર ડીગ્રીમાં ટોપર આવતા હાલમાં એલઇ કોલેજની હરિક જયંતિ ઉજવણીમાં દેશ વિદેશના હજારો પૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં 2025ની બેન્ચમાં પ્રથમ નંબર મેળવવા બદલ રમેશને ગોલ્ડ મેડલ મળ્યો છે.
ભણવા સિવાયની પ્રવૃત્તિઓ ઓછો રસ
રમેશ સોલંકી કહે છે કે, ઘણા બાળકો હાલના ભણતરને કારણે શિક્ષણથી દૂર ભાગતા હોય પણ મારા કુદરતી રીતે ભણવામાં શરૂઆતથી મન પરોવાયેલું રહેતું. અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં ઓછો રસ અને ભણવામાં વધુ રસ હતો આથી તેને અઘરામાં અઘરા ઇજનેરી શિક્ષણમાં પણ અનેરી સિદ્ધિ મેળવી છે. જો કે તે ધો. 10માં પહોંચ્યો ત્યારે જ એન્જિનિયરિંગમાં કારકિર્દી ઘડવાનો ગોલ નક્કી કર્યા હતો અને આ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને સતત કઠોર મહેનત કરતો ગયો એનું પરિણામ આજે બધાની સામે છે. 2025ની સાલમા તેને એલઇ કોલેજમાં નંબર વન સાથે માસ્ટર ડીગ્રી પુરી કરીને હાલમાં ગોલ્ડ મેડલ મેળવતા આટલી સિદ્ધિની તો મારા માતા પિતાને પણ કલ્પના નહિ હોય. આ સિદ્ધિ એમની ખુશીની કોઈ સીમા રહી ન હતી.
કોલેજીયનના ખોટા સીન સપાટા કરીને ખોટા ખર્ચાથી દુર રહ્યો
કોઈપણ વિદ્યાર્થીઓ કોલેજમાં આવે એટલે કોલેજના ખોટા દેખાડા કરી સીન સપાટા કરવાના રંગમાં રંગાઈ જાય છે. પણ રમેશ પોતાના ઘરની પરિસ્થિતિ જાણતો હતો અને આમ પણ કોલેજમાં તે ભણવા જ આવ્યો હોય બીજી દિશામાં એ ક્યારેય ભટક્યો જ નથી. તેના પિતાએ જેટલા પૈસા જોઈએ એટલા આપવાની છુંટ આપી હતી. પણ પુત્રએ એનો ક્યારેય ગેરલાભ ઉઠાવ્યો ન હતો. ભણવા માટે પણ જોઈએ એટલા જ રૂપિયા લેતો. તેમજ કપડા પણ એકદમ સાદા જ પહેરતો. બધા કોલેજીયનો બાઇક લઈને આવતા હોય અને ખાણી પીણીમાં પણ ખર્ચા કરતા હોય પણ રમેશ આ બધા ખર્ચાથી દૂર રહ્યો અને બાઈક માટે ક્યારેય પણ જીદ કરી ન હતી.