પીપળીયા ચાર રસ્તા પાસે કોલસા ભરેલા ડમ્પરની બાઇકને ટક્કર : દરગાહેથી પરત ફરતા પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત, બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, અકસ્માત બાદ ચાલક ફરાર
મોરબી : માળિયા મિયાણા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા નજીક દહીંસરાના પાટિયા પાસે માતેલા સાંઢની જેમ દોડતા નંબર પ્લેટ વગરના ડમ્પરે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કોલસો ભરેલા ડમ્પરની ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક પર જઈ રહેલા મોરબીના પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ જતા સમગ્ર બનાવને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના નવલખી રોડ પર રણછોડનગર પાછળ આવેલા રિદ્ધિ પાર્કમાં રહેતા રહીમભાઈ ઇશાકભાઈ ચિચોદરા (ઉ.વ. 50) અને તેમના પત્ની મેરુનબેન રહીમભાઈ ચિચોદરા (ઉ.વ. 48) બાઇક પર દહીંસરા ખાતે આવેલી પીરની દરગાહે દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ બંને પતિ-પત્ની બાઇક પર મોરબી પરત ફરી રહ્યા હતા.
દરમિયાન પીપળીયા-વવાણીયા રોડ પર નાના દહીંસરાના પાટિયા પાસે વાસુકી કોલ નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા કોલસાભરેલા ડમ્પરે તેમની બાઇકને અડફેટે લીધી હતી. પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરની ટક્કરથી બાઇક સવાર રહીમભાઈ અને મેરુનબેન ગંભીર રીતે પટકાયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત સર્જનાર ડમ્પર નંબર પ્લેટ વગરનું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે અકસ્માત સર્જનાર ડમ્પર અને તેના ચાલકને શોધવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
આ અકસ્માતથી ચિચોદરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક દંપતીને સંતાનમાં 20 વર્ષનો દીકરો અને 18 વર્ષની દીકરી છે. એક જ અકસ્માતમાં માતા અને પિતા બંનેને ગુમાવતા બંને સંતાનો નોંધારા બની ગયા છે. પરિવારનું ગુજરાન ચલાવવા રહીમભાઈ ચક્કી ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે..દંપતી દરગાહે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યું હતું ત્યારે રસ્તામાં જ કાળ બનીને આવેલા ડમ્પરે બંનેનો ભોગ લીધો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.