Wednesday - Sep 02, 2026

મોરબી જિલ્લાના તમામ મેળાઓમાં સ્ટોલધારકો માટે ડસ્ટબિન ફરજિયાત કરાશે.

મોરબી જિલ્લાના તમામ મેળાઓમાં સ્ટોલધારકો માટે ડસ્ટબિન ફરજિયાત કરાશે.

જડેશ્વર મેળામાં સફળ સફાઈ અભિયાન બાદ કલ્યાણ ટ્રસ્ટની મોટી પહેલ રંગ લાવી

૫૭ બેગ પ્લાસ્ટિક કચરો એકઠો કર્યા બાદ ટ્રસ્ટે કાયમી ઉકેલ માટે તંત્ર સમક્ષ કરી રજૂઆત: કલેક્ટર અને મામલતદાર અલ્પેશ પરમારે નિયમોના કડક અમલની આપી ખાતરી

મોરબી:પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા લોકમેળા બાદ મોરબીના ‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા ગ્રાઉન્ડ પર વિશાળ ‘મહા સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી ગ્રાઉન્ડમાંથી ૧૮x૩૬ સાઈઝની ૫૭ જેટલી મોટી બેગ ભરીને પ્લાસ્ટિક કચરો એકઠો કર્યો હતો. આ કામગીરી બાદ સંસ્થાને જણાયું હતું કે માત્ર સ્વયંસેવકો દ્વારા દર વખતે મેળા સાફ કરવા એ કાયમી ઉકેલ નથી; પ્રકૃતિનું રક્ષણ કરવા અને મેળાઓને સ્વચ્છ રાખવા માટે વહીવટી તંત્રના કડક નિયમો અને સક્રિય સહકાર અનિવાર્ય છે.

જેથી આ મુદ્દાના કાયમી અને નક્કર ઉકેલ માટે ‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ ગૌરવ જાની અને ટીમ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર તથા મામલતદાર અલ્પેશ પરમારની મુલાકાત લઈ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

તંત્ર તરફથી સંપૂર્ણ સમર્થન અને કડક અમલની ખાતરી.

મામલતદાર અલ્પેશ પરમાર અને વહીવટી તંત્ર સાથેની આ બેઠક ફળદાયી રહી હતી. તંત્ર દ્વારા સંસ્થાની માગણીને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. મામલતદાર દ્વારા ખાતરી અપાઈ છે કે આગામી સાતમ-આઠમ સહિત મોરબી જિલ્લામાં યોજાનાર તમામ લોકમેળાઓમાં દરેક સ્ટોલની બહાર ફરજિયાત ડસ્ટબિન રખાવવામાં આવશે, રાત્રિ દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ કરાશે તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જિલ્લાના તમામ મેળા આયોજકોને સત્તાવાર સૂચના આપી કડક અમલ કરાવવાની ખાતરી તંત્રએ આપી છે.

‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’નું માનવું છે કે જનજાગૃતિ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી મોરબી જિલ્લાને કચરામુક્ત અને સ્વચ્છ બનાવી શકાશે. “મેળો એ ઉત્સવ અને આનંદ માણવાનું સ્થળ છે, ગંદકી ફેલાવવાનું નહીં”, આ સંદેશ જન-જન સુધી પહોંચાડવા સંસ્થા કાર્યરત છે. તંત્રના આ હકારાત્મક સહકાર બદલ સંસ્થા દ્વારા કલેક્ટર અને મામલતદાર અલ્પેશ પરમારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.