Wednesday - Sep 02, 2026

દિવ્યાંગ મહિલાને પાણી માટે 3 મહિના સુધી વલખા માર્યા બાદ માનવ આયોગની દરમ્યાનગીરીથી ન્યાય મળ્યો

દિવ્યાંગ મહિલાને પાણી માટે 3 મહિના સુધી વલખા માર્યા બાદ માનવ આયોગની દરમ્યાનગીરીથી ન્યાય મળ્યો

85 ટકા દિવ્યાંગ મહિલાને પાણી મેળવવા માટે અન્ય સ્થળે જવું અથવા અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું તેમના માટે મુશ્કેલ હોય અંતે મામલો માનવ અધિકાર આયોગ સુધી પહોંચતા દાદ ન દેતી હળવદ નગરપાલિકાને તાકીદે પાણી કનેક્શન પુનઃસ્થાપિત કરવું પડ્યું

મોરબી : હળવદ શહેરમાં 85 ટકા કાયમી લોકમોટર દિવ્યાંગતા ધરાવતી મહિલાના પરિવારને ત્રણ મહિનાથી પાણી માટે વલખાં મારવા પડતા હતા. સ્થાનિક રજૂઆતો છતાં પાણી કનેક્શન પુનઃસ્થાપિત ન થતાં મામલો ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો હતો. આખરે આયોગની દખલ બાદ હળવદ નગરપાલિકાએ આજે નસીમબેન હારુનભાઈ કટિયાના ઘરે પાણીનું કનેક્શન પુનઃચાલુ કરી આપતાં પરિવારને મોટી રાહત મળી છે.

હળવદના વિનોબા ગ્રાઉન્ડ વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. કચેરી નજીક રહેતા નસીમબેન કટિયાના મકાનમાં અગાઉ નગરપાલિકાનું પાણી કનેક્શન હતું. જોકે કનેક્શન બંધ થઈ જતાં નસીમબેન સહિત પાંચ સભ્યોના પરિવારને આશરે ત્રણ મહિના સુધી પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નસીમબેન પોતે 85 ટકા કાયમી દિવ્યાંગતા ધરાવતી હોવાથી પાણી મેળવવા માટે અન્ય સ્થળે જવું અથવા અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવું તેમના માટે મુશ્કેલ હતું. પરિવાર દ્વારા આ અંગે હળવદ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.

સ્થાનિક રજૂઆત બાદ મામલો માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો

નગરપાલિકા કક્ષાએ રજૂઆત બાદ પણ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ ન આવતાં નસીમબેન વતી લોક અધિકાર મંચ, હળવદના કન્વીનર અમીન ભટ્ટીએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતના આધારે માનવ અધિકાર આયોગે મામલે કાર્યવાહી હાથ ધરી હતી.  કાર્યવાહી આગળ વધ્યા બાદ હળવદ નગરપાલિકા દ્વારા પાણી કનેક્શન પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આયોગની દખલ બાદ આજે કનેક્શન ચાલુ

માનવ અધિકાર આયોગની કાર્યવાહી બાદ નગરપાલિકાએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આજે નસીમબેનના રહેણાંક મકાનનું પાણી કનેક્શન પુનઃસ્થાપિત કરી આપ્યું હતું. ત્રણ મહિનાથી પાણીની સમસ્યા ભોગવી રહેલા પરિવાર માટે આ નિર્ણયથી મોટી રાહત થઈ છે.

‘દિવ્યાંગને મૂળભૂત સુવિધા માટે ધક્કા ન ખાવા પડે’

લોક અધિકાર મંચના કન્વીનર અમીન ભટ્ટીએ જણાવ્યું હતું કે નસીમબેન 85 ટકા કાયમી દિવ્યાંગતા ધરાવે છે અને તેમના પરિવારને પાણી જેવી મૂળભૂત સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સ્થાનિક રજૂઆત બાદ મામલો માનવ અધિકાર આયોગ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. આયોગની દખલગિરી બાદ આજે નગરપાલિકા દ્વારા પાણી કનેક્શન પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે દિવ્યાંગ વ્યક્તિઓને મૂળભૂત નાગરિક સુવિધા મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ સંવેદનશીલતા સાથે કામગીરી કરવી જોઈએ. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાના હક માટે વારંવાર કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે પણ એટલું જ જરૂરી છે.