Wednesday - Sep 02, 2026

મોરબી જિલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં ઠેરઠેર તીનપત્તિની મહેફિલ જામી, 6 દરોડામાં 33 ઝડપાયા

મોરબી જિલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં ઠેરઠેર તીનપત્તિની મહેફિલ જામી, 6 દરોડામાં 33 ઝડપાયા

રહેણાંક મકાનથી લઈ દુકાન, ખુલ્લી સીમ અને જાહેર સ્થળોએ ચાલતા જુગાર પર પોલીસની તવાઈ, રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે

મોરબી : સાતમ-આઠમના તહેવારોમાં મોરબી જિલ્લામાં ઠેરઠેર તીનપત્તિની મહેફિલ જામતી હોવાના પગલે પોલીસે જુગારીઓ સામે તવાઈ બોલાવી છે. ટંકારા, વાંકાનેર અને મોરબી શહેર સહિતના વિસ્તારોમાં પોલીસે જુગારના કુલ 6 દરોડા પાડી 33 શખ્સોને ઝડપી લીધા છે. રહેણાંક મકાન, દુકાન, ખુલ્લી સીમ અને જાહેર સ્થળોએ ચાલતા જુગારધામો પરથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં મકાનમાં દરોડો:
ટંકારા-લતીપર રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ-01 સોસાયટીમાં નીરજભાઈ પ્રવીણભાઈ કુકડિયાના મકાનમાં ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી નીરજભાઈ પ્રવીણભાઈ કુકડિયા, નવઘણભાઈ હીરાભાઈ ઝાપડા, આશિષભાઈ રમેશભાઈ રાઠોડ, સાગરભાઈ જયંતીભાઈ રૂપાલા, કેવલભાઈ નરશીભાઈ કલોલા અને પ્રવીણભાઈ પરસોત્તમભાઈ કાવર ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂ.92,500 અને રૂ.60,000ની કિંમતના 6 મોબાઈલ સહિત કુલ રૂ.1,52,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


મોરબી-2 વિસ્તારમાં વિશાલ ફર્નિચર પાસે આવેલા બાપાકે પ્લાઝાની યૉર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી, ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી, મેહુલભાઈ રમેશભાઈ બોડા, સતીષભાઈ મુકેશભાઈ કારેણ, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર અને ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરાને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રૂ.45,200 રોકડ મુદ્દામાલ કબજે કરાયો હતો.

મેસરિયા-ભલગામ રોડ પર ખુલ્લામાં જુગાર:
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામથી ભલગામ જતા રસ્તે ખુલ્લામાં જુગાર રમતા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ઉત્તમભાઈ ગોરધનભાઈ ભાલિયા, દિનેશભાઈ ભુપતભાઈ ફતેપરા, રમેશભાઈ રાયધનભાઈ ભાલિયા, ભાવેશભાઈ વલ્લભભાઈ ભાલિયા અને શિવરાજભાઈ ખોડાભાઈ ભાલિયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.14,950 રોકડ કબજે કરવામાં આવી હતી.

વાલાસણમાં લાઈટના અજવાળે જુગાર:
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે જીવાપર રોડ પર આવેલા રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમતા શખ્સો પર વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે તોફાનભાઈ બચુભાઈ ફુલતરીયા, પીન્ટુભાઈ પ્રાગજીભાઈ સીસાંગીયા, મનોજભાઈ માનસીંગભાઈ ફુલતરીયા, પ્રકાશભાઈ મુળજીભાઈ ફુલતરીયા અને શૈલેષભાઈ કાંતીભાઈ સીસાંગીયાને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રૂ.6,570 રોકડ અને જુગારના 52 પાના કબજે કરાયા હતા.

વનાળિયાની સીમમાં ઝુંપડામાં જુગારધામ:
મોરબી એલસીબી ટીમે વનાળિયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે વોકળાના કાંઠે આવેલા ઝુંપડામાં દરોડો પાડ્યો હતો. અહીંથી ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા, યુનુસભાઈ હાજીભાઈ સુમરા, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા અને હિતેશભાઈ હર્ષદભાઈ મહેતાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે રૂ.80,200 રોકડ અને 5 મોબાઈલ સહિત કુલ રૂ.1,00,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારધામ ચલાવનાર ઈશાભાઈ મુસાભાઈ સુમરા ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

મોરબીના લાયન્સનગરમાં અંદર-બહારનો જુગાર:
મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ પર આવેલા લાયન્સનગરમાં ચારબાઈના મંદિર પાસે જાહેરમાં પોસ્ટર પર પૈસા લગાવી અંદર-બહારનો જુગાર રમતા શખ્સો સામે દરોડો પાડ્યો હતો. પોલીસે સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા, શંકરભાઈ રમેશભાઈ કડેવાર, શિનભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી અને અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયાને ઝડપી લીધા હતા. પોલીસે દાવ પર લાગેલા અને અંગજડતીના મળી કુલ રૂ.24,100 કબજે કર્યા હતા. આમ, મોરબી જિલ્લામાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન જુગારની મહેફિલો પર પોલીસે 6 સ્થળે દરોડા પાડી કુલ 33 શખ્સોને ઝડપી લીધા છે અને રોકડ રકમ તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.