Tuesday - Nov 24, 2026

મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું અને ઊંચી માંડલ વચ્ચે કાર ટ્રેક્ટર સાથે અથડાતા ચાલકનું મોત

મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું અને ઊંચી માંડલ વચ્ચે કાર ટ્રેક્ટર સાથે અથડાતા ચાલકનું મોત

 મોરબી : મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું અને ઊંચી માંડલ ગામ વચ્ચે ડિવાઈન હોટલ સામે ટાટા ટીગોર કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી ટ્રેક્ટર સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો. કારની જોરદાર ટક્કરથી ટ્રેક્ટરની સીટ પરથી નીચે પટકાયેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્નીએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મૂળ મહિસાગર જિલ્લાના અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પાવર હાઉસ પાસે ગૌશાળા નજીક ઝૂંપડામાં રહેતા ચંદ્રિકાબેન રાકેશભાઈ ભુરીયા (ઉં.વ. 33)એ ટાટા ટીગોર કાર નંબર GJ-1-WH-7118ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના પતિ રાકેશભાઈ તથા સાહેદ ઉદેશીંગભાઈ ટ્રેક્ટર નંબર GJ-36-AK-6669 સાથે ટેન્કર જોડીને મોરબી-હળવદ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલી ટાટા ટીગોર કારના ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી ટ્રેક્ટર અને ટ્રકની વચ્ચે કાર ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ટ્રેક્ટરના આગળના ભાગના બમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કરના કારણે રાકેશભાઈ ટ્રેક્ટરની સીટ પરથી નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કારચાલકને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.