Saturday - May 02, 2026

મોરબીના ટંકારાના ફરારી પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને 30 દિવસમાં હાજર થવાનો કોર્ટનો હુકમ

મોરબીના ટંકારાના ફરારી પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને 30 દિવસમાં હાજર થવાનો કોર્ટનો હુકમ

મોરબીના ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જુગારની નકલી રેડ કરી લાખો રૂપિયાનો તોડ કરનાર બંને આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે. આથી આ કેસની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારીને સોંપવામાં આવી છે. બન્ને આરોપીઓ હજાર નહીં થતા હોવાથી મોરબી નામદાર કોર્ટ દ્વારા ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામું મુજબ આરોપી પીઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોસ્ટબલ માહિપતસિંહ સોલંકી ને 30 દિવસમાં હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

પી.આઈ યુવરાજસિંહ ગોહિલ તથા હેડ.કોન્સ. મહિપતસિંહ સોલંકીને હાજર થવા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના કલમ ૧૯૯, ૨૩૩, ૨૨૮, ૨૦૧, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૦૮(૨), ૩(૫), ૬૧, ૫૪ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮( સુધારા અધિનિયમ-૨૦૧૮)ની કલમ ૭,૧૨,૧૩(૧)એ તથા ૧૩(૨) મુજબના ગુન્હાના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા નથી. આથી બંને આરોપીઓની વિસ્તૃત તપાસ કરવા તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી આ ગુનાના કામે BNSS-કલમ-૭૨ મુજબના અલગ-અલગ વોરંટો મેળવી બંને આરોપીઓની તપાસ કરતા, કરાવતા મળી આવેલા નથી અને ગુનો કરી નાસતા ફરતા હોવાથી બંને આરોપીઓની અટક કરવાની બાકી છે. આથી બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશ્યલ જજ સાહેબ, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબીથી સદરહુ ગુનાના કામે BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન-૩૦માં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.