મોરબી : મોરબીના નાની વાવડી ગામે પ્રેમસંબંધ મામલે બે પરિવારોએ લાકડાના ધોકા અને પથ્થરો વડે બઘડાટી બોલી ગઈ હતી જેમાં બન્ને પક્ષે પાંચ વ્યક્તિને ઈજા પહોંચતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ પાસે રહેતા નરેશ વિનોદભાઈ પરમારે સામાપક્ષના વિષ્ણુ વાસુદેવ પરમાર, વાસુદેવ પરમાર, રંજનબેન વાસુદેવ પરમાર અને જીગ્નેશ જગદીશ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના મામાની દીકરી સાથે આરોપી વિષ્ણુને પ્રેમસંબંધ હોવાનો ખાર રાખી ફરિયાદીના ભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. જેથી સમજાવવા જતા ફરિયાદી નરેશને માથામાં પથ્થરનો છૂટો ઘા મારી ઈજા કરી હતી તેમજ રમેશભાઈને ધોકો મારી ઈજા કરી ગીતાબેનને ધોકો મારી ઈજા કરી ધીરૂભાઈને ધોકા વડે હુમલો કર્યો હતો. સામાપક્ષે રંજનબેન વાસુદેવ પરમારે આરોપીઓ પ્રકાશ માધુ કંજારીયા, મયંક ઉર્ફે ઉમેશ વીનું પરમાર, માધુ કેસુ કંજારીયા અને ધીરૂ ઉર્ફે ધીરજ ગોવિંદ હડીયલ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દીકરાને આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ હોય તે બાબતે થયેલા ઝઘડાનું અગાઉ સમાધાન થઇ ગયું હતું. પણ આજે ફોનમાં બોલાચાલી કરી જેનો ખાર રાખી ફરિયાદીના દીકરાને આરોપીઓએ ઘરની બહાર બોલાવી ગાળો આપી ઢીકા પાટું માર મારી અને ફરિયાદી રંજનબેન અને પતિ વાસુદેવભાઈ છોડાવવા જતા માથામાં ધોકો મારી પતિ વાસુદેવને ધોકો મારી અને દીકરા વિષ્ણુને માર મારી ઈજા પહોંચાડી હતી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.