Wednesday - Jun 10, 2026

કચરામાંથી મળેલી રમકડાની જૂની બેટરી અચાનક ફાટતા બાળક દાઝી ગયો

કચરામાંથી મળેલી રમકડાની જૂની બેટરી અચાનક ફાટતા બાળક દાઝી ગયો

મોરબીના રાજપર ગામની ઘટનામાં દાઝી ગયેલા બાળકને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો 8 વર્ષનો બાળક કચરામાંથી મળેલી રમકડાની જૂની બેટરી અચાનક ફાટી જતાં દાઝી ગયો હોવાની ઘટના સામે આવી છે. આથી હાલ બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રાજપર ગામની વાડીમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વેરુંભાઈ ગામડનો ૮ વર્ષનો પુત્ર બાદલ વાડીમાં રમતો હતો. રમતા-રમતા તેને કચરામાંથી એક જૂની રમકડાની બેટરી મળી આવી હતી. આ અજાણી વસ્તુ સાથે રમવા લાગતા અચાનક જોરદાર ધડાકો થયો હતો અને બેટરી ફાટી ગઈ હતી. જેના કારણે બાદલના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે દાઝી ગયા હતા. બેટરી ફાટવાના કારણે બાળકે રાડા-રાડ કરતા પરિવારજનો તાત્કાલિક દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક તબીબી સારવાર શરૂ કરતા તેની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળે છે.