Saturday - Nov 07, 2026

માળિયાના જુમાવાડી નજીક દરિયાઈ ખાડીમાંથી બાળકનું કંકાલ મળી આવ્યું

માળિયાના જુમાવાડી નજીક દરિયાઈ ખાડીમાંથી બાળકનું  કંકાલ મળી આવ્યું

મોરબી :માળિયા મિયાણા તાલુકાના નવલખી નજીક આવેલા જુમાવાડી વિસ્તારમાં દરિયાઈ ખાડીમાંથી અજાણ્યા બાળકના માનવ કંકાલના અવશેષો મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક વ્યક્તિની જાણના આધારે માળિયા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કંકાલનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. કંકાલ કોનું છે અને બાળકની ઓળખ શું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

માળીયાના જુમાવાડી વિસ્તારમાં રહેતા અકબરભાઈ હારુનભાઈ સાઇચા (ઉં.વ. 35)ને ગામની બાજુમાં આવેલી દરિયાઈ ખાડીના પાણીના વહેણવાળા વિસ્તારમાં માનવ કંકાલના અવશેષો જોવા મળ્યા હતા. આ અંગે તેમણે તાત્કાલિક માળિયા તાલુકા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પરથી કંકાલના અવશેષો કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. હાલ આ અવશેષો કયા બાળકના છે તેની ઓળખ મેળવવા તેમજ આ ઘટના પાછળના સંજોગો જાણવા પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.