2.90 mcft પાણીનો સંગ્રહ થવાની શક્યતા,100.હેક્ટર ખેતીલાયક જમીન સમૃદ્ધ થશે
મોરબી : મોરબીના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવા માટે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જેતપર-શાપર ગામે ધોડધ્રોઈ નદી પર 2,04,92,900 રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે અને ઘોડાધ્રોઈ નદી પર આશરે 103 મીટર લંબાઈમાં ક્રોંક્રીટનો ચેકડેમ બાંધવાથી ઉપરવાસમાં 1 કિલોમીટર જેટલો પાણીનો ભરાવો થવાથી 2.90 MCFT પાણીના જથ્થાનો સંગ્રહ થઈ શકશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેનો કુલ કેચમેન્ટ એરીયા 212 ચો. કિમી જેટલો રહેશે. જેનાથી જેતપર અને શાપર ગામની આશરે 100 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળવાની આશા વ્યક્ત કરાઈ છે.
મોરબીના મચ્છુ-3 સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલના છેવાડેથી માળિયા મિયાણા તાલુકાના મોટીબરાર-જસાપર ગામના તળાવના કામને સરકારમાંથી આશરે 3,03,24,883 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઈન કેનાલના છેવાડેથી પાઈપલાઈન દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરી ગામોની અંદાજે 500.00 હેક્ટર ખેતીલાયક જમીનમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. મચ્છુ-3 સિંચાઈ યોજનાની ચાર માઈનોર કેનાલના એસ્કેપના કામો પૈકી બાકી રહેલ એક માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમટુઆર માઈનોર કેનાલ છેવાડેથી પાણીના નિકાલ માટે એસ્કેપ દ્વારા માળિયાના મેઘપર ગામના તળાવને ભરવાની કામગીરી કરાશે. જેના માટે સરકાર દ્વારા આશરે 50,65,240 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ તળાવ ભરવાથી મેઘપર ગામના તળાવની આસપાસની 150.00 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે અને કુવાઓ ચાર્જ થશે અને જમીનના પાણીના તળ ઉંચા આવશે.