વાંકાનેર : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકુ હમેશા વિવાદમાં રહે છે. અગાઉ વઘાસિયા ગામના ભાજપ અગ્રણી વિરુદ્ધ નકલી ટોલનાકાનો વિવાદ શમ્યો નથી ત્યાં જ ટોલનાકા નજીક હોટલ ધરાવતા શખ્સ દ્વારા અવાર નવાર ટોલ ભર્યા વગર ટ્રક પસાર કરાવવાની સાથે અન્ય એક ડમ્પર ચાલકે ટોલ ભર્યા વગર બેરીકેટ તોડી નાસી જઈ નુકશાન કરતા બન્ને વિરુદ્ધ ટોલનાકા મેનેજરે ફરિયાદ નોંધાવી હતી.
મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુદ્ધાંશુ ઉ.27 રહે.વાંકાનેર મૂળ રહે.બિહાર વાળાએ આરોપી જયરાજસિંહ હરસિદ્ધિ હોટલ વાળા રહે.વઘાસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી જયરાજસિંહ અવાર નવાર અલગ અલગ ટ્રક ટોલ ભર્યા વગર જ પસાર કરાવી ટોલબુથના સ્ટાફ સાથે ઝઘડો કરી જોઈ લેવાની ધમકી આપતા હોય લાંબા સમયથી થતી આ દાદાગીરી સામે સરકારને નુકશાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી હતી.સાથે જ ડમ્પર ટ્રક નંબર જીજે - 36 - વી - 5208ના ચાલક દ્વારા ટોલનાકાનું બેરીકેટ તોડી ટોલ ભર્યા વગર નાસી જતા બન્ને આરોપીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારના જાહેરનામાં ભંગ સબબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.