ત્રણ મહિના જૂની બાબતનો ખાર રાખી ભડીયાદ રોડ પર યુવાનની ડાબી આંખ નીચે છરી મારી ઈજા કર્યાનો ફરિયાદ
મોરબી : મોરબીના ભડીયાદ રોડ પર એન.જી. મહેતા સ્કૂલ સામે દુકાન ધરાવતા વેપારી યુવાનને દુકાન સામે સુવાની ના પાડવાની ત્રણ મહિના જૂની બાબતનો ખાર રાખીને એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ડાબી આંખની નીચેના ભાગે છરી વાગતા ઈજા પહોંચી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી નજીકના ભડીયાદ ગામે મેઈન રોડ પર રહેતા અને આ રોડ પર એન.જી. મહેતા સ્કૂલ સામે હરિઓમ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવતા મોહિન્દરભાઈ મગનભાઈ અઘારા (ઉં.વ.43)એ ધરાવે છે. તેમણે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ભડીયાદના પ્રભુ સુરેલા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશરે ત્રણ મહિના અગાઉ મોહિન્દરભાઈએ પ્રભુ સુરેલાને પોતાની દુકાનની સામે સુવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખીને પ્રભુ સુરેલાએ મોહિન્દરભાઈ સાથે ઝઘડો કરી તેમના મોઢાના ભાગે, ડાબી આંખની નીચે છરી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છરીના હુમલામાં ઈજા થતાં મોહિન્દરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસે પ્રભુ સુરેલા સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ અને તજવીજ શરૂ કરી છે.