મોરબી : સામાન્ય રીતે બેસણા કે શોકસભામાં લોકો શોક વ્યક્ત કરવા એકઠા થતા હોય છે, પરંતુ મોરબીના ચીખલીયા પરિવાર દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્વ. કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે દ્વારકાધીશ પાર્ટી પ્લોટ ખાતે બેસણા પ્રસંગે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કુલ 70 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શોક સંતપ્ત પરિવાર વચ્ચે રક્તદાન દ્વારા અન્યના જીવન બચાવવાના આ ઉમદા કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ચીખલીયા રજનીકાંતભાઈ, મહેન્દ્રભાઈ, પરેશભાઈ, કમલેશભાઈ, હાર્દિકભાઈ, રવિભાઈ, વિશાલભાઈ અને સમગ્ર ચીખલીયા પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બેસણા જેવા ગંભીર પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે આવું આયોજન કરીને ચીખલીયા પરિવારે સમાજને એક નવી રાહ ચીંધી છે. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમ સ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ સ્વ. કિશોરભાઈ ચીખલીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ આ ઉમદા કાર્ય બદલ આયોજકો, રક્તદાતાઓ અને ચીખલીયા પરિવારનો આભાર માન્યો હતો.